એ ખોવાયેલી દીકરી…. નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે વિશેષ

એ ખોવાયેલી દીકરી…. નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે વિશેષ

૨૪ જાન્યુઆરીની તારીખને ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે‘ જાહેર કરીને ભારત સરકારે દર વર્ષે એ દિવસની ઉજવણી અને તે દ્વારા દીકરીઓ વિશે જાગૃતિ અને સદભાવ પ્રગટાવવાનું ધ્યેય રાખ્યું છે.

શા માટેઆ એક વિશેષ દિવસની જાહેરાત કરવાની જરૂર પડી? કહેવાતા આટલા બધા આધુનિક જમાનામાં પણ કોઈ એક જાતિને પોતાનું અસ્તિત્વ જાળવવા અને સમસ્યાઓ ઉકેલવા આ વિશેષ ધ્યાન જોઈએ છે? વાત એક નાનકડી બાળકીની છે, જે ગર્ભમાં છે એવી ખબર પડે તો તેને ત્યાં જ મારવાના બધા પ્રયત્નો થશે, કદાચ કાયદાઓની માયાજાળને લીધે એ ગર્ભસ્થ શિશુ વિશે ખબર ન પડે તો એના જન્મ પછી પસ્તાળ પડી હોય તેમ બધો દોષનો ટોપલો માતા પર ઢોળવામાઁ આવે છે. જો તમે તેની પાસેથી તેનું જીવન ન ચોરી લો, તેને પણ વિકસવાનો અને જીવવાનો અવસર આપો તો કદાચ તમે જોઈ શક્શો કે એક પુત્ર અને એક પુત્રીના હોવામાં કોઈ અંતર નથી, બંને સમાન રીતે વહાલા લાગે…. પણ સદીઓની રૂઢિગત માન્યતાઓ અને રિવાજોને લીધે આવી કેટલીય દીકરીઓ જનમ્યા પહેલા જ મૃત્યુને પામી ચૂકી છે, કેટલીય તેની માતાના ઉદરમાં હજુય મૃત્યુને ભેટી રહી છે, એવી પુત્રીઓ જેમને આ વિશ્વની એક ઝલક પણ મળતી નથી, એક શ્વાસ લેવાનો અવસર પણ નહીં… અને કેટલીય જો એ પ્રક્રિયામાં બચી જાય તો જનમ્યા પછી મૃત્યુથીય બદતર જીવન જીવી રહી છે, પુત્ર અને પુત્રીમાં ડગલે ને પગલે અસમાનતાને લીધે, પૂરતા શિક્ષણના અભાવે, પૂરતા પોષણના અભાવે અને લગ્ન થાય ત્યાર બાદ દહેજના નામે, પુત્રને જન્મ આપી ન શકવાને લીધે… અને એવા અનેક અત્યાચારોના પરીણામ સ્વરૂપ મૃત્યુને તે પામે છે…. એ બધી આ દેશની ખોવાયેલી દીકરીઓ છે… કોને ખબર ક્યારે અંત આવશે આ અમાનવીય કુરિવાજોનો !

કેટલીય દીકરીઓ જન્મવા માટે, એક પરિવારનો, માતા પિતા અને ઘરના બધાં સભ્યોનો પ્રેમ પામવા આતુર છે, એક એવા પરિવારને એ ઝંખે છે જેમાં તેની ફક્ત જરૂરત જ નહીં, ઈન્તેઝાર હોય, એક દીકરીને પામવાનો આનંદ પણ હોય, અને તેને ઉછેરવાનો ઉમંગ હોય, દીકરી એક બોજ નહીં, હસતા હસતા નિભાવી શકાય એવી જવાબદારી હોય. આપણે ત્યાં વધુને આશીષ અપાય છે, “सौ पुत्रवती भव” પણ ક્યાંય એક પુત્રી મળે એવો આશીષ આપણા રિવાજોમાં આવતો નથી. આપણી આસ્થા અને ધર્મને અનુસરીને આપણે અનેક સ્ત્રી અવતારોની માતાજીના સ્વરૂપે પૂજા કરીએ છીએ, પણ બીજી તરફ આપણી દીકરીને ગર્ભમાં પણ સાંખી શક્તા નથી. આ કેવો વિરોધાભાસ ?

ડૉ. અમર્ત્ય સેનના મતે લગભગ આવી લગભગ પાંચ કરોડ દીકરીઓથી આ સભ્યતાએ જીવવાના અધિકારથી બાકાત કરી છે, ખોવાયેલી દીકરીઓ છે. અહીં ખોવાયેલી શબ્દનો પ્રથમ પ્રયોગ ડૉ. અમર્ત્ય સેન દ્વારા કરાયો હતો, પણ તેનો સચોટ અર્થ થાય છે તેમનાથી છૂટકારો મેળવાયો હતો. જાતિગત અસમાનતા ભારતમાં ખૂબ વ્યાપક છે, અહીં ૧૯૯૫માં ૨.૫ કરોડની આસપાસ સ્ત્રીઓ ઓછી હતી, ૨૦૦૧માં એ આંકડો ૩.૫ કરોડ થયો અને આજે વધીને ૫.૦ કરોડ થઈ ગયો છે. અર્થ ભારતના કુલ પુરૂષો અને સ્ત્રીઓના આંકડામાં ૫ કરોડ જેટલો મોટો તફાવત છે. અને આ સ્ત્રીઓના મૃત્યુના કારણો જાણો છો?… કારણ ગણો તો કારણ અને તેમને મારવા માટેના બહાના ગણો તો બહાના…. ગર્ભહત્યા, બાળહત્યા, અપૂરતા પોષણને લીધે પાંચ વર્ષથી નીચેની ઉંમરની બાળકીઓનું મૃત્યુ, દહેજ માટે હત્યાઓ, પુત્ર પુત્રી જન્મ દરમ્યાનના મૃત્યુ, કુટુંબની આબરુના નામે કરાતી પુત્રીઓની હત્યા (ઓનર કિલિંગ) અને ડાકણ ગણીને મારી નાંખવામાં આવતી સ્ત્રીઓ…. આવા હજુ તો અનેક કારણો ટાંકી શકાય. લગભગ દસ લાખ પરિવારો વર્ષે ગર્ભમાં બાળકી છે એ જાણીને તેની હત્યા કરાવે એ, ઘણા કિસ્સાઓમાં તો આઠ મહીનાના ગર્ભને પણ કઢાવતાં ખચકાતા નથી. જો કે જાતિગત ભ્રૂણહત્યા એ ભારતમાં ગેરકાયદેસર છે, પણ આજે એ કરોડો રૂપિયાનો ધીખતો ધંધો થઈ ગયો છે. તો નવજાત બાળકીઓને મારવી એ ભારતના ઘણાં અંતરીયાળ ગામડાઓમાં સામાન્ય વસ્તુ છે, દૂધપીતી કરવી, ઝેર આપવું કે ગળાટૂંપો વગેરે ઉપાયો અપનાવાય છે.

દર પાંચ મિનિટે એક સ્ત્રી ભારતમાં ક્યાંક ને ક્યાંક બાળજન્મને લઈને મૃત્યુને ભેટે છે. પ્રસૂતી દરમ્યાનના મૃત્યુનો આ આખા વિશ્વમાં સૌથી વધુ દર છે. કેમ? કારણકે દીકરીઓને જન્મ આપનાર માતાને પુત્ર માટે વારંવાર બાળજન્મ માટે મજબૂર કરાય છે. તો પાંચ વર્ષ સુધીના બાળકોમાં જાણી જોઈને વૈદકીય સારવાર ન અપાયાને લીધે અને ભૂખમરો જેવા કારણોસર દીકરીઓનો મૃત્યુદર દીકરાઓ કરતા ૪૦ ગણો વધારે છે. તો દહેજ માટે પતિ અને સાસરીયાઓ દ્વારા દર વીસ મિનિટે એક સ્ત્રીને મોતને ઘાટ ઉતારાય છે. એમાંથી મોટા ભાગના કિસ્સાઓ અકસ્માત કે આત્મહત્યામાં ખપાવાય છે. આદરણીય ભારતીય હાઈકોર્ટે ૧૨મી માર્ચ ૨૦૧૦ના રોજ મંજુ સામે રાજ્ય અંતર્ગતના એક કેસમાં કહ્યું છે તે મુજબ, “સ્વતંત્રતાના ૬૦ વર્ષ અને કહેવાતા આધુનિકીકરણે પણ દીકરી તરફ આપણા માનસીક સામાજીક વલણને બદલી શક્યાં નથી. બધા જ ક્ષેત્રોમાં, ગામડું કે શહેર, ભણેલા કે અભણ, ગરીબ કે અમીર, બધે જ આ વ્યાપક છે. અસમાન જાતિગત સંખ્યા આ ૨૧મી સદીમાં પણ પછાત સામાજિક વિચારોનો અરીસો છે.”

 

Advertisements