નરસિંહની સર્જનાત્મક સરવાણી

નરસિંહની સર્જનાત્મક સરવાણી


નરસિંહ ગુજરાતી ભાષાની ગંગોત્રી છે. જ્યાં ગુજરાતી ભાષાનો એક સ્વતંત્ર ભાષા તરીકે આવિષ્કાર થયો હશે એ અગાઊ પણ અનેક જૈન મુનિઓએ સર્જન કર્યું હતું પરાંતુ ત્યારે ગુર્જરી ગિરાને ભાષા તરીકેનું ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત થયું ન હતું. નરસિંહ ગુજરાતી ભાષાના આદિકવિ છે. નરસિંહનું સર્જન સ્વયં કવિતા છે. તેમનું સર્જન વ્યાપક પણ છે. તેમના સર્જનમાં કુળ, જ્ઞાતિ, સાંપ્રત અને ધાર્મિક પ્રવાહોનું અવતરણ થયું છે. તેમની કવિતામાં પ્રેરણા, સ્ફુરણા, ચેતના, કર્મ, જ્ઞાન, વૈરાગ્ય, શ્રદ્ધા અને સંસ્કારનો સમન્વય દેખાય છે. આ બધું હોવા છતાં નરસિંહની કવિતાને આપણે નિસર્ગની લીલા જ ગણાવી શકીએ.

એક ભક્ત તરીકે નરસિંહની અપેક્ષા દર્શનમાત્રની જ છે તેથી તે કર્મયોગનું બયાન કરે છે.

 

આપણે આપણા ધર્મ સંભાળવા,

કર્મની ભાળ તો કર્મ લેશે.

તેમના મનમાં દ્રઢ ભક્તિના બીજ રોપાયા તેથી તે કહે છે,

 

હરિના જન તો મુક્તિ ન માંગે,

માંગે જનમ જનમ અવતાર રે,

નિત્ય સેવા, નિત ઓચ્છવ કીર્તન,

નિરખવા નંદ કુમાર રે….

તો તેમની ફકીરી આ રીતે દર્શાવે છે,

 

અન્ય વેપાર નહીં ભજનતોલે

ભક્તિ વિના બધું ધૂળધાણી,

કૃષ્ણ વિના બીજું સર્વ કાચું.

તો કુંવરના વિદાયપ્રસંગે નરસિંહનો ચિંતાગ્રસ્ત આત્મા પોકારી ઉઠે છે,

 

કુંવર લાડકી તમે સાસરે સિધાવોને

થતાં પ્રભાત, મરશે તાત, નૃપ જરૂર કરશે ઘાત.

‘હાર’ ના પ્રસંગે કવિ કૃષ્ણની મોઢામોઢ આવી કડક અને શ્રદ્ધાસભર વાણી કહે છે –

 

પ્રાણ જાશે તોય અવરને નહીં ભજું, હઠીલાને કહું હાથ જોડી,

તારે તો સેવક કોટી છે શામળા, મારે તો એક જ આશ તારી.

જરૂર પડ્યે પ્રભાતી રાગનો ગાનાર કવિ કૃષ્ણને જગાડવા પણ મથે છે –

 

ઉઠ કમલાપતિ, કાં હજી સૂઈ રહ્યો,

આજ શ્યામા તણી સેજ ભાળી.

આમ લક્ષ્મીને પણ ભક્ત ઠપકો આપે છે.

અંતે ‘હાર’ કાવ્યમાં કવિના ભક્ત હ્રદયનો ભગવાન આગળ વિજય થાય છે ત્યારે કવિતાની ઉન્નત ક્ષણ મળે છે.

‘હાર ઝાલીને સભામાં હરી આવ્યા.’

ભક્તને તો ભગવાન જ સાચો સગો છે. નારાયણનું નામ જ તેને મન સાચું નાણું છે, એટલે જ તેણે કહ્યું,

નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે

આખ્યાનકલ્પ કૃતિઓ

ચાતુરીમાં ચાર પંક્તિની કૃતિને લઈને કૃષ્ણભક્તિનું મહિમ્નગાન કર્યું છે. સુદામાચરિત્રમાં ભગવાન કૃષ્ણના અનન્ય મિત્રના કૃષ્ણ સાથેના સંબંધને ભક્ત ભગવાનના ઉતમ ભાવાત્મક દ્રશ્ય તરીકે નિરૂપ્યું છે.

દાણલીલાના પ્રસંગોમાં ૭૧ પદોમાં ગોપીભાવે, ભક્તિભાવે કૃષ્નના ગુણગાન કરવાનો ઉપક્રમ છે. ગોપી માનવવ્યવહાર વડે જ અધ્યાત્મ પામે છે.

 

ભલે પરણાવી મારે હરિવર રૂડો

અખંડ પેરાવ્યો ચૂડો રે !

ભક્તિભાવમાં અદ્વૈત છે. જ્યાં લિંગ શરીરનો સંબંધ ઓગળી જાય છે

પાણીડા જાતાં વ્હાલો પ્રેમથી બોલાવે

અથવા

રજનિ સોહાગણ વહિને ગઈ રે ભાણ સોહાગી ઉગો રે !

કે પછી

ગોરસ દાણ ન હોએ રે ગોવાળીયા

ગોપીની શરમાળ ભક્તિનો પરિચય આપતા કવિ કહે છે,

નહીં જાઊં સરોવર પાણીડા, મારગ નંદલાલ મલે.

દ્વારીકામાં કવિએ કૃષ્ણની મૂર્તિના દર્શન કર્યા, અંતરજ્યોત ઉઠી અને કવિતાનું ઝરણું નીકળ્યું. ત્રણ માસના દ્વારીકા નિવાસ દરમ્યાન તેમનો માંહ્યલો કૃષ્ણપ્રેમથી રંગાઈ ગયો અને સાચો સ્વામી શામળીયો છે તેની તેમને પ્રતીતી થઈ. દ્વારિકાથી પછી ગિરિનગર જુનાગઢમાં વસવાટ કરે છે. ત્યાં ભક્તિની ધોધમાર ધારા સાથે સંસારનું રગશિયું ગાડું દારિદ્રયનો બોજ વેંઢારી મંથર ગતિએ ચલાવે છે. ભક્ત વત્સલ ભગવાને નરસિંહના જીવનને ચમત્કૃત કરી ભક્તિની સાથે ભક્તિની ગરિમા વધારી. તરુણવયમાં જ વેદ-ઉપનિષદ, ભાગવત, તત્વજ્ઞાન વગેરે આત્મસાત કર્યા. ભક્તકવિ જયદેવનું ગીત ગોવિંદ તેમની સાહિત્ય યાત્રાનું પ્રેરક બન્યું. નરસિંહની કવિતામાં ભક્તિ, શ્રૃંગાર, શાસ્ત્રીય સમજ વગેરે મંત્રમુગ્ધ કરી દે તેવાં છે. ઝૂલણાં છંદ અને બિલાવલ રાગની બંદિશ ગુજરાતી ગળાની શોભા છે. તેમાંય નાગદમન તો ઉત્કૃષ્ટ સંવાદકાવ્ય છે.

વિશાળ વાંચનની પ્રતીતિ તેમના આખ્યાનકાવ્ય કવિતામાં જોવા મળે છે.

 

આપણને જાણીને નવાઈ લાગશે કે નરસિંહની કૃષ્ણપ્રીતી વિષયક ઉર્મિગીતોમાં શૃંગારને લગતા રાસસહસ્ત્રપદી, વસંતનાપદો, શૃંગારના પદો અને હીંડોળાના પદોની સંખ્યા કુલ ૯૦૦ જેટલી છે. આ ઉપરાંત માખણચોરીની કથાઓમાં એમણે શિશુભાવો આલેખ્યા છે, એમાં

આઈ પેલો ચાંદલીયો મુને રમવા આલો !

રાસસહસ્ત્રપદીમાં લખે છે ઉત્કૃષ્ટ રતિરાગ,

 

ગાન કરે ગોપી શું મલિને, કહાનકામિની રાની રે,

આલિંગન ચુંબન ને તૂરા, અધરામૃત રસ પાની રે.

અથવા

ગોપી ગેલ કરે ગોવિંદ શું, તન મન ધન સૌ સોંપી રે

તેમની આ કવિતામાં વર્ષા, શરદ, વનશ્રી, નિસર્ગની શોભાનું આહ્લાદક વર્ણન છે. પાંચસો વર્ષ પૂર્વે તેમણે સર્વજન સમાના નું સૂત્ર આપ્યું. રૂઢિચુસ્ત નાગર પરિવાર સામે વિદ્રોહ કરીને તેમણે કરેલું કીર્તન એમનું પ્રગતિશીલ પાસું હતું. જ્ઞાતિજનોના ઠપકા સામે તેમણે ગાયું,

હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા રે !

મહાત્મા ગાંધીજીએ નરસિંહની જ સર્વધર્મની સારરૂપ રચના પ્રાર્થનામાં સમાવી. તે સર્જનાત્મકતા દેશ વિદેશના સીમાડા વટાવી સર્વશ્રેષ્ઠ પ્રાર્થના તરીકેનું ઉમદા સ્થાન પામી. નરસિંહની એ નિધિ ગામડાના ભજનમંડળો, ગોપીમંડળો, વૃદ્ધો, બાળકોના હોઢે ઝળાંહળાં છે.

ભક્તિજ્ઞાનના પદો

સાહિત્યકારની આંતરિક સંવેદનાની અભિવ્યક્તિ કરે ત્યારે તેમાં ભાવ ભાષાનું સાયુજ્ય હાથવગું હોય છે. ચિતના સંવેદનના ચિત્રને રંગ અને રેખા દ્વારા અમૂર્તમાંથી મૂર્ત કરે છે. નરસિંહ મહેતા પાસે ચમત્કારીક સર્જનશક્તિ છે. કૃષ્ણ તરફ નરસિંહ મહેતાને અનન્ય શ્રદ્ધા અને શરણાગતિ છે. તેણે ઉપમા અલંકારથી કૃષ્ણને સંબોધન કરતા જણાવ્યું કે –

 

ચાલને સખી જોવા જઈએ રે,

ગોકુળ આંબો મોર્યા રે

આંગણમાં નંદકુંવરની શોભા માટે લખ્યું છે,

જશોદાજીના આંગણીયે રે, સુંદર શોભા દિસે !

નંદ, યશોદા, ગોપી, ગોપબાળ, સવત્સધેનુ, વૃક્ષવેલ, યમુના, ગોકુળ, વરસાદ, મોર બધાંને લઈને કૃષ્ણના વિવિધ સ્વરૂપોની તેમણે ઝાંખી કરાવી છે. રાસલીલામાં રતિક્રીડાથી લઈને રસસમાધિ સુધીની ક્ષણને કવિતા લેખે આલેખી છે. ક્યાંક કવિએ રાધા કૃષ્ણને નિમિત બનાવ્યા છે તો ક્યાંક ગોપબાળને નિમિત બનાવ્યા છે. કૃષ્ણને કેન્દ્રમાં રાખીને તેની કવિતા અનન્ય નિર નિરાળા રૂપો ધારણ કરે છે.

કૃષ્ણની રાસલીલા અને અન્ય લીલાઓને સમાવીને કવિતા તો તેમણે કરી છે, પરંતુ તેમાં વિવિધ શાસ્ત્ર – ઉપનિષદના વચનોને પણ કવિતામાં અવતરીત કર્યા છે.

આમ તો કવિતાની વાત કરીએ તો Poetry is nothing unless it transports . નરસિંહની ઉદ્દાત વાણી

સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે સોનાના પારણા માંહી ઝૂલે

કે પછી

 

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું તત્વ બોલે,

શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે અહીંયાં નથી કોઈ કૃષ્ણ તોલે.

ઉપનિષદધારાને યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મન્ , તૈતરીયની વાતને કહે છે,

 

અકળ અવિનાશી એ નવ જાયે કળ્યો, અરધ ઉરધ માંહે મ્હાલે,

નરસૈંયાનો સ્વામિ સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે.

તો નરસિંહ પાસે કબીર જેવી અવળવાણી નથી, તેની વાણીમાં સીધી દ્રશ્યાત્મક અસર વર્તાય છે.

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઉંઘમાં અટપટા ભોગ ભાસે,

રામચરિતમાનસ અને ભગવદગીતાના ભાવને જ દ્રઢ કરતી કાવ્યપંક્તિ જુઓ –

 

મોહમાયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે,

રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.

રામચરિતમાનસની હરિવ્યાપક સર્વત્ર સમાના ની ભાવનાને કવિ આ રીતે મૂકે છે,

 

આદ્ય તું, મધ્ય તું, અંત તું, ત્રિકમા,

એક તું, એક તું, એક પોતે !

જાતિ, કુલ ધર્મ લડાઈની વિભાવના સાથે પદ લાલિત્યનો વૈભવ છે –

નારાયણનું નામ જ લેતા, વારે તેને તજીએ રે …

ઉપનિષદના ચાર સૂત્રોને નીચે મુજબ કાવ્યની ભાષામાં ઢાળ્યા છે,

 

તત્વમસિ – નિરખને ગગનમાં

હિરણ્યમયેન પાત્રસ્થે – ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં

યતો વાચા નિવર્તન્તે – અકળ અવિનાશી…

ભ્રહ્મ સત્યં જગન્મિથ્યા – જાગીને જોઉં તો જગત દીસે નહીં.

ગીતાના સાંખ્યને નરસિંહ આ રીતે અભિવ્યક્ત કરે છે,

 

તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો,

વગર સમજ કહે મ્હારું મ્હારું,

દેહ તારો નથી, જો તું જુગતે કરી,

રાખતા નવ રહે નિશ્ચે જાયે.

આમ ઉપનિષદ, ગીતા, રામાયણ, લોકબોલી, વ્યવહાર, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જેવાં અનેક આયામોથી નરસિંહની કવિતાને જોઈ શકાય.

ઝૂલણાં છંદ અને કેદાર રાગ નરસિંહની કવિતાના વિશેષ પાસાં રહ્યા છે. કૃષ્નના બાળચરિત્રને આલેખતા આ નરસિંહ ખૂદ ઝૂમ્યા હશે. અને તે જ લય ઝૂલણા છંદનો નિમિત બન્યા. ગુજરાતી ગિરા નરસિંહની કવિતાથી રળિયામણી છે, કારણ નરસિંહે સંસ્કૃતિ, સંસ્કાર અને સમન્વયના વારસાને સમૃદ્ધ રીતે ઝીલ્યો છે. તેથી નરસિંહને નમન કરવાનું મન થાય.

વંદે કવિત્વં અહમ્

 

Advertisements