શિવ સ્વરૂપ અને તેનું રહસ્ય

શિવ સ્વરૂપ અને તેનું રહસ્ય

 

મનની એકાગ્રતા પામવા પ્રભુનું મૂર્તિ સ્વરૂપ આવશ્યક છે.

શાલિગ્રામ અને લિંગ આ બન્ને વિષ્ણુ અને શિવજીનાં પ્રતિક છે. શિલ્પકલાનો વિકાસ થતાં કરચરણાદિ આકારવાળા માનવીય પ્રતીકો વિકસ્યાં હોય. જે હોય તે આપણે ભગવાન શિવજીના દૈહિક સ્વરૂપનો વિચાર કરવાનો.

વિશાળ જટાઓ, જટામાં ગંગાજી, માથા પર ચંદ્ર, કપૂર જેવો શુભ્ર દેહ, યોગીની જેમ અર્ધબીડેલી આંખો, ગળામાં ફણીધર સર્પ, નીલકંઠ, ભસ્માંગદાગ, વાઘાંબર, ત્રીજું નેત્ર, ડમરું, ત્રિશૂળધારી: આવું ભવ્ય સ્વરોપ શિવજીનું સ્વરૂપ કલ્પવામાં આવ્યું છે.

શ્રીકૃષ્ણ જેમ ‘પ્રેમ’ ગુણોનું મૂર્તરૂપ છે, તેવી જ રીતે પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાન-વૈરાગ્ય ગુણોનું મૂર્ત સ્વરૂપ મહાદેવ છે. જ્ઞાન અને વૈરાગ્યની સંયુક્ત મૂર્તિ બનાવવાની હોય તો તે દેવાધિ દેવ મહાદેવની જ હોઈ શકે.

આપણે ત્યાં લગભગ બધાં જ શાસ્ત્રોના આદિ પ્રવક્તા શિવજી છે. બ્રહ્મવિદ્યાના દક્ષિણામૂર્તિ {મહાદેવનું એક નામ છે] વ્યાકરણ, સંગીત, મૃત્ય, ભાગવત, રામાયણ, યોગ વગેરે બધાં શાસ્ત્રોના આદિ ગુરુ મહાદેવ છે. કારણ તેઓ જ્ઞાન-વૈરાગ્યના પ્રતિક મનાયા છે.

ગંગાજી:-

કહેવાય છે કે રાજા ભગીરથે પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે ગંગાને ધરતી પર લાવવા માટે તપ કર્યું. ગંગાજી પ્રસન્ન થયા અને સ્વર્ગ પરથી ભૂસકો મારી આવવા તૈયાર થઈ ગયાં. પણ સ્વર્ગમાંથી ભૂસકો મારવાથી તે રસતાળમાં [પાતાળમાં] પહોંચી જશે એટલે તેનો વેગ સહન કરી શકે તેવી વ્યક્તિ લાવવા ભગીરથને કહ્યું. ભગીરથે વિષ્ણુ ભગવાનનો આશરો લીધો પણ તેમણે કહ્યું કે આ કામ મારું નથી તેથી મહાદેવ પાસે જા એ મદદ કરશે. ભગીરથ મહાદેવ પાસે આવ્યા. તેમની વિનંતી શિવજીએ તરત સ્વીકારી લીધી, તેઓ હિમાલય પર જી ઊભા રહીને ગંગાજીને આહવાન આપ્યું. ગંગાજીને અભિમાન આવી ગયું કે મારા વગને કોઈ સહન નહી કરી શકે. તેમણે શિવજીની જટા પર ભૂસકો માર્યો. શિવજી તો તણાયા તો નહી પણ ગંગાજી તેમની વિશાળ જટાઓમાં વર્ષો સુધી અટવાતાં રહ્યાં. ગંગાજીનો અહંકાર ઓગળ્યો અને સામાન્ય દેખાતી વ્યક્તિ મહાશક્તિશાળી છે તેથી ગંગાજી શિવજીના શરણે આવ્યા અને બહાર નીકળવાનો રસ્તો માંગ્યો અને ભગીરથનાં પૂર્વજોનો ઉદ્ધાર કર્વા માર્ગ માંગ્યો. આથી શિવજી તેમની જટાની એક લટ ઢીલી કરી અને ગંગાજી ગૌમુખ દ્વારા બહાર આવી ગંગાસાગર થઈ સાગરમાં મળી ગયા. કથાનો સાર એ છે કે વૈરાગ્યના ટેકા વિના જ્ઞાનનો ટકી શકતું નથી. બીજી રીતે કહેવાય કે એકનો હેતુ ઉદરભરણ અને બીજાનો હેતુ આત્મકલ્યાન છે. એટલે જ્ઞાનગંગાથી યુક્ત મહાદેવ છે. તેનો આધાર વૈરાગ્યથી ભરપૂર જટાઓ છે.

ચંદ્રશેખર :-

શિવજીના મસ્તક પર બીજનો ચન્દ્ર શોભિત છે જે ચન્દ્રશેખર તરીકે ઓળખાય છે. દ્વિતીયાનો ચન્દ્ર હંમેશા ઉદીયમાન, વર્ધમાન છે. દિવસે દિવસે તે વધતો હોય છે. બીજું તે પ્રુરુષાર્થનું પ્રતિક છે. ચન્દ્રદર્શન બાદ હંમેશા પોતાની હથેળીઓ જોવાથી તેમાં રહેલી ચન્દ્રાકાર રેખાઓ હમેશા પ્રગતિનો માર્ગ દેખાડશે. બીજનો ચન્દ્ર ભલે નાનો દેખાતો હોય પન તેમાં પૂર્ણિમાના ચન્દ્રની સોળે કળા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.

શિવજીના મસ્તક પર જટારૂપી અપાર જ્ઞાનગંગા ભરી પડી છે જે ચન્દ્રની માફક વર્ધમાન છે, શીતળ પ્રકાશમાન છે. તેના પ્રતિક રૂપે ચન્દ્ર શિવજીના મસ્તક પર બિરાજમાન છે. વ્યક્તિ પોતાનો પુરૂષાર્થ તેમજ પ્રકાશ એટલે આદર્શ, ઉત્તમ આચારવિચારવાળું જીવન, ન છોડે તો તે જરૂર પૂર્ણિમાનો ચન્દ્ર બનશે.

ત્રિનેત્ર:-

શિવજીની જેમ આપણને પણ ત્રણ નેત્ર છે, જે આપણે ખોલવા અસમર્થ છીએ. પણ આ તો દેવોના દેવ મહાદેવ છે જેમણે ત્રીજુ નેત્ર ખોલ્યું તેથી તો તેઓ ‘સ્મરહર. કામારિ’ વગેરે નામોથી ઓળખાય છે. કામદેવની હરકતોથી કંટાળી મહાદેવે ત્રીજુ નેત્ર ખોલી કામદેવને ભસ્મ કર્યો. કામમાં બાળનારો કામદેવ ખૂદ બળીને ભસ્મ થયો. જ્ઞાન-વૈરાગ્યને ત્યાં સુધી અમૃત્વની પૂર્ણ અનુભૂતિ નથી થતી જ્યાં સુધી તેણે નેત્ર દ્વારા કામ-વાસનાનો ક્ષય ન કરી નાખ્યો હોય. યોગ પ્રક્રિયામાં ‘આજ્ઞાચક્ર’ને તૃતીય નેત્ર કહેવાય છે. આ ચક્રનું ભેદન થતાં જ યોગી કામક્લેશથી પર થઈ જાય છે અને તેનું જ્ઞાન-વૈરાગ્ય નિર્ભય બને છે. આ બતાવવા શિવજીનાં કપાળ પર ત્રીજુ નેત્ર બતાવવામાં આવ્યું છે.

 સર્પ:-

સર્પ સાક્ષાત કાળનું પ્રતિક છે. સર્પ એટલે મૃત્યુ. મૃત્યુનું મુખ્ય સ્થાન ગળું છે. તેથી જ તો મહાદેવે મૃત્યુને પોતાનું આભુષણ બનાવ્યું છે. મૃત્યુની બેપરવાહી અથવાતો મૃત્યુને હરખભેર આમંત્રણ કોઈ વૈરાગ્યવીર જ આપી શકે. મૃત્યુથી ભાગી છૂટનારને મૃત્યુ ભાગવા નથી દેતુ. શિવજી એટલે તો મૃત્યુંજય કહેવાય છે જેમની નજીક મૃત્યુ આવતું નથી. તેથી સર્પ તેમનું ગળાનું આભૂષણ છે.

નીલકંઠ:-

શિવજીનો કંઠ નીલા રંગનો છે એટલે તેઓ નીલકંઠ કહેવાય છે.

અનાદિકાળથી ચાલતા આવતા દેવ દાનવો વચ્ચે સંગ્રામ ચાલ્યા જ કરે છે. બન્ને તરફની અનુમતિથી સમુદ્રમંથન કરવામાં આવ્યું અને પ્રથમ હળાહળ ઝ્રેર નીકળ્યું. વિષ્ણુના ઈનકારથી દેવ દાનવો દેવાધિદેવ મહાદેવ પાસે ગયા અને હળાહળ ઝેર સ્વીકારવાની વિનંતી કરી. મહાદેવ સમજી ગયા અને સંપૂર્ણ વિશ્વની રક્ષા ખાતર હસતા હસતા આ હળાહળ ઝેર નિર્લેપભાવે ગટગટાવી ગયા. ત્યારથી શિવજી ‘મહાદેવ’ કહેવાયા. મહાદેવે ઝેર તો પીધું પણ એમણે પેટમાં ન ઉતારતા કંઠમાં રાખ્યુ. તેની પાછળ પણ અકારણ છે કે જો ઝેરને થૂંકી કાઢત તો ઝેર વધુ ફેલાત અને જો પેટમાં ઉતારત તો તેમની નસેનસમાં ઉતરી જતે અને મોતને નોતરત પણ એમ ન કરતાં તેમણે એ ઝેર કંઠે જ રહેવા દીધું. આમ તેઓ ‘નીલકંઠ મહાદેવ’ કહેવાયા.

શિવાલયમાં ગણેશજી અને હનુમાનજી બિરાજે છે.

ગણેશજીની પ્રાગટ્ય કથા તો ખૂબ પ્રચલિત છે. પાર્વતીજીને સ્નાન કરવાનું મન થયું. શરીરનો મેલ ઉતારી તેનું પુતળું બનાવી તેમાં પ્રાણ પૂર્યો. એ બાળકને દ્વાર પર પહેરો ભરવા ઊભો રાખ્યો અને કોઈને અંદર પ્રવેશવા ન દેવાની આજ્ઞા કરી. જેવા પાર્વતીજી સ્નાન કરવા બેઠા અને આ બાજુ શિવજીની સમાધિ ખૂલી. હાથમાં ત્રિશૂળ લઈ ઘર ભણી ઉપડ્યા. આવીને જુએ છે તો ત્યાં એક બાળક પેહેરો ભરી રહ્યો છે, જે શિવજીને અંદર જવા દેતો નથી. પોતાના ઘરમાં પ્રવેશતા અટકાવનાર પર શિવજીને ક્રોધ ચઢ્યો અને તેનો શિરચ્છેદ કર્યો. શિવજી અંદર ગયા અને લોહીવાળું ત્રિશૂળ જોઈ પાર્વતીજીને શંકા ગઈ. હકીકત જાણતા તેમણે પ્રભુને જણાવ્યું કે આપે આપના દીકરાનો શિરચ્છેદ કરી મોટી ભૂલ કરી છે. એમનાં આક્રંદથી શિવજીને પશ્ચાત્તાપ થાયો અને હાથેનું માથું કાપી દીકરાનાં ધડ પર બેસાડી જીવિત કરી વરદાન આપ્યું કે દરેક શુભ કાર્યમાં પ્રથમ તારી પૂજા થશે.

આ હકીકત પાછળ ગૂઢ રહસ્ય છે.

પ્રથમ તો પાર્વતીમાના શરીર પર એટલો બધો મેલ હતો કે તેમાંથી પૂતળું બનાવી શક્યાં?  કહેવાય છે કે તિબેટમાં વ્યક્તિઓ બે વખત ન્હાય છે. પહેલીવાર એ જ્ન્મે છે ત્યારે અને બીજીવાર મરણ પામે છે ત્યારે. ત્યાં ખૂબ ઠંડી હોવાને કારણે ત્યાં સ્નાનનું મહત્વ નથી. તેથી આખા જીવન દરમિયાન શરીર પર મેલ ભરાતો રહે છે.તિબેટનાં રીત રિવાજ મુજબ કન્યાના શરીર પર જેટલો મેલ તેટલી કન્યા સુલક્ષણી ગણાય. પણ આ તો જગતજનની પાર્વતીજી છે. શું પાર્વતીજીના શરીરે પર એટલો મેલ હશે કે જેમાંથી પુતળું બની શકે ? શિવજી ક્રોધમાં આવીને કર્તવ્ય બજાવી રહેલા બાળકનું માથું કાપી નાખે ખરા ? તેમજ પ્રાયશ્ચિત રૂપે હાથીનું માથું કાપી બાળકનાં ધડ પર બેસાડી દે? આ કોઈ લૌકિક ઘટના નથી પણ આધ્યાત્મિક રૂપક છે.

ગણેશજીનું આધ્યાત્મિક રૂપ

શિવ-શક્તિ બે તત્વો છે. શક્તિના બે પ્રકારની છે. પ્રલયકાળમાં જે પ્રકૃતિ સામ્યાવસ્થામાં રહે છે એટલે માત્ર સત્તામા રહે છે તે સતી. આ જ સતી જ્યારે સૃષ્ટિ રચનાનું કાર્ય કરે છે ત્યારે પાર્વતી કહેવાય છે. જ્યારે નવનિર્માણના શુભારંભમાં પ્રથમ શરીરનો મેલ ઉતારી સ્નાનવિધિથી કાર્યનો આરંભ થાય છે. શરીરને હાનિ પહોંચાડ્યા વગર જે સહજ રીતે શરીરથી જુદો થાય તે મેલ. મળ, મૂત્ર, કફ, વાળ, નખ, આંખ-નાક-કાન વગેરેના મેલ છે. આ તત્વો સમજવા જેવા છે. મૂળ પ્રકૃતિ – જેને આપણે શક્તિ કહીએ છીએ અને પૌરાણિક કાળમાં સતી કે પાર્વતી કહીએ છીએ. આમ મૂળ પ્રકૃતિમાંથી બુદ્ધિનું નિર્માણ થાય છે અને આ બુદ્ધિ એટલે આ પહેરો ભરતો બાળક. આ નિર્માણ કાર્યનો આરંભ થતાં જ શિવજીની સમાધિ ખૂલે છે.

પ્રલયકાળમાં પુરુષ તમામ પ્રવૃત્તિથી મુક્ત હતો તેથી તેની આ સ્થિતિને સમાધિ કહેવામાં આવી છે. કૈલાસ શબ્દનો અર્થ આ સ્થિતીને સ્પષ્ટતા આપે છે. કિલ+અસ= કિલાસ, કૈલાસ. કિલ અર્થાત અતિ પ્રસિદ્ધ, ઓસ અર્થાત સત્તા હોવી. પ્રલયકાળમાં પણ જેની અતિ પ્રસિદ્ધ સત્તા રહેલી હોય તે પરમાત્મા કિલાસ કહેવાય અને તેના રહેઠાણને કૈલાસ કહેવાય. કૈલાસ શબ્દ જ મહાપ્રલયકાળનું ઐકાંતિક સ્થાન જે શિવજીની સમાધિનું સ્થાન સૂચવે છે.

ગણેશ [બુદ્ધિ]નું પ્રથમ મનુષ્ય મસ્તક પ્રકૃતિનું બનાવેલું છે જે ભોગપ્રધાન છે જે હંમેશા ભોગોને શોધતું રહે છે. શિવજીએ તે મસ્તકને હઠાવી નવુ મસ્તક ગોઠવે છે જેને શૈવી બુદ્ધિ કહી શકાય. આ શૈવી બુદ્ધિ અમાઘ શક્તિશાળી હોવાથી ઈંદ્રિયોને પોતાને આધીન રાખે છે. ગણેશનું માથું હાથીનું મસ્તક શા માટે પસંદ કરવામાં આવ્યું?

મોટું માથું જે વિશાળ જ્ઞાનથી ભરપૂર, મોટા કાન જે બહુશ્રુત, ઝીણી આંખો જે સૂક્ષ્મ અવલોકન કરવાની ક્ષમતા ધરાવે છે. લાંબુ નાક જે દૂર સુધીની સુગંધ-દુર્ગંધને પારખવાની ક્ષમતા ધરાવે છે. વિશાળ પેટ જે બધી વાતોને પચાવવાની ક્ષમતા ધરાવે છે. આમ ગણેશની બાહ્ય આકૃતિ સૈવી બુદ્ધિવાળા મહાપુરુષનાં લક્ષણો સમજાવતી છે,

આપણાં કોઈ પણ દેવ વાહન વિનાના નથી. એમાં પણ ઉંદર ફક્ત ગણેશજીનું વાહન છે. તેની પાછળ પણ રહસ્ય છે. ગણેશની શૈવીબુદ્ધિ વિવેકબુદ્ધિની ગતિનો આધર ફક્ત તર્ક જ થઈ શકે. તર્ક વિના બુદ્ધિનો વિકાસ નથી થતો. ઉંદર એ તર્ક છે. નિરર્થક અહીંતહીં દોડાદોડ કરે છે અને કાપકૂપ કરે છે. અને તેને અંકૂશમાં રાખવા ગણેશજી જેવા ભારેખમ શરીરવાળાને ઉંદર ઉપર ગોઠવ્યું છે. માટે ગણેશના [બુદ્ધિના] ભાર સાથે ઉંદર [તર્ક] હોવો જરૂરી છે.  “વાદે વાદે જાયતે તત્વબોધઃ”

નિજ મંદિરમાં બિરાજેલા ભગવાન શંકર આવનાર ભક્તને કહે છે કે તારે જો મારી પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુદ્ધિ ઉખેડી શૈવીબુદ્ધિની સ્થાપના કર. આ શૈવી બુદ્ધિ જ શિવને પમાડે છે. વાસના બુદ્ધિ નહિ તે બતાવવા શિવાલયમાં ગણપતિની પ્રતિમા મૂકવામાં આવે છે.

હનુમાનજી

શિવાલયમાં એક તરફ ગણપતિજી બિરાજે છે તો બીજી તરફ હનુમાનજી બિરાજે છે. ગણપતિજી તો શિવપુત્ર છે પણ હનુમાનજીને શા માટે બેઠકજી મળે છે?

હનુમાનજી પવનપુત્ર ગણાય છે તેમ જ શંકરસુવન પણ કહેવાય છે અને કેસરીનંદન કહેવાય છે. અંજનીમાતા છે અને કેસરી પિતા છે. આ બતાવે છે કે આ કોઈ આધ્યાત્મિક રહસ્ય છે. હનુમાનજી અનન્ય ભક્તિ, પરાક્રમ અને પૂર્ણ વૈરાગ્યના પ્રતિક છે. શ્રીરામના અનન્ય ભક્ત, મહાપરાક્રમી [વાયુ પરાક્રમના દેવ છે.] અને પૂર્ણ વૈરાગી [શિવજી વૈરાગ્યના દેવ છે] તરીકે તેમનું વ્યક્તિત્વ પ્રસિદ્ધ છે. અનન્ય ભક્તિ, પૂર્ણ પરાક્રમ અને પૂર્ણ વૈરાગ્ય જ ભગવાન શંકરને પામી શકે છે. ઘણી જગ્યા પર હનુમાનજી એકલાનું મંદિર હોય છે. શ્રીરામજીનાં મંદિર સાથે હનુમાનજી તો હોય જ છે તેમ જ મહાદેવજી સાથે પણ હનુમાનજી હોય છે. શિવાલયમાં તેમનું પ્રતિક આ ત્રણ તત્વોની પ્રેરણા આપવા માટે છે. સાથે સાથે તેમના હાથમાં ઔષધ પર્વત પણ હોય છે. ઔષધ પર્વત સોચવે છે કે તે જીવનને પુનઃ ચેતના આપનારી છે. હનુમાનજી બીજા પગે પનોતીને દબાવી રાખે છે. એ સૂચવે છે કે પનોતી પરાક્રમી તથા વૈરાગ્યવાન પુરુષની દાસી બની જાય છે.

  ૐ નમઃ શિવાય

 ૐ નમઃ શિવાય

 ૐ નમઃ શિવાય

શિવ ચિન્હોનું તાત્પર્ય + ત્રિશૂળ + ડમરું + શિખર + નંદી + કાચબો

ત્રિશૂળ :-

   શિવજીના હાથમાં ત્રિશૂળ છે. પ્રભુ ત્રિશૂળ દ્વારા પોતાના ભક્તોનાં ત્રણ શૂળો કાઢે છે એટલે તો તો તેઓએ ત્રિશૂળ ધારણ કર્યું છે. આ ત્રણ શૂળો એટલે 1] આધિ 2] વ્યાધિ 3] ઉપાધિ. આ ત્રિતાપમાંથી પ્રભુ આશુતોષ મુક્તિ અપાવે છે.

સ્વામી સચ્ચિદાનંદજી પોતાના અનુભવથી કહે છે કે જેને અસહ્ય કામપાત થતા હોય તેણે ભગવાન શિવજીનું નામ સ્મરણ કરવુ. થોડા દિવસોમાં આ તાપ ઓછો થઈ જશે. શિવ તો ત્રિપુરહર છે, કામારિ છે. જ્ઞાનવૈરાગ્યના આરાધક માટે ભગવાન શંકર આશ્રયસ્થાન છે.

ડમરું:-

શિવજીને ડમરું વ્હાલું છે. ડમરું જ્ઞાનવાજિંત્ર છે. જે હંમેશા એક જ તાલમાં વાગે છે. બન્ને તરફ સંસાર-મોક્ષ-સરખો રણકો કરે છે. બન્ને તરફ એક જ તાલ અને એકસરખો રણકો વાગતો હોવાથી તેમાં આરોહ અવરોહના ઉતાર ચઢાવ નથી. એક ભાવ, સમ ભાવ. જ્ઞાનની એજ શોભા છે. વાણી નીકળે તે સમભાવી, એકપક્ષીય નહી પણ સૌને ન્યાય, અને સંતોષ આપનારી નીકળે. શિવજીએ એટલે જ કદાચ ડમરૂં પસંદ કર્યું હશે.

શિખર:

શિખરો હંમેશા અણીદાર હોય છે તે આકાશ તરફ ઊંચે જતા હોય તે દર્શાવે છે. દેવ સ્થાને જતાં ઉર્ધ્વ ગતિ કરવાની હોય છે. આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવવા દેવસ્થાનોના શિખરો અણીયાળા બનાવી બનાવ્યા છે.

તેમના શિવાલય વિષે વિચાર કરીયે.

આપણે શિવાલયમાં પ્રવેશ કરીએ ત્યારે પ્રથમ નંદીનાં દર્શન કરીએ છીએ. એક બાજુ ગણેશજી, બીજી બાજુ હનુમાનજી, કાચબો, ત્યારબાદ શિવલિંગ અને છેલ્લે પાર્વતીજી. આમ શિવાલયની રચના થઈ છે.

નંદી:

આપણાં દરેક દેવના કોઈ ને કોઈ વાહન છે. આ વાહનો જાત જાતનાં છે અને દરેક સમજવા જેવાં છે. એવી જ રીતે શિવજીનું વાહન નંદી છે. નંદી એ ધર્મનું પ્રતિક છે. ધર્મ પોતે મદદરૂપ થઈને શિવ-કલ્યાણકારી પરમાત્માનું વાહન થયો છે. ગતિ કરાવે તે વાહન.
ગાય એ શ્રદ્ધાનું પ્રતિક છે અને નંદી ગાયનો પુત્ર જે ધર્મનું પ્રતિક છે. આમ ધર્મ ર શ્રદ્ધાનો પુત્ર છે. ધર્મ શ્રદ્ધામાંથી પ્રગટે છે. ગાયરૂપી શ્રદ્ધા પોતાના ધર્મની દુર્દશાનું વર્ણન – ફરિયાદ કરવા વિષ્ણુ પાસે ગયા. ધર્મનો ભાર નથી હોતો અધર્મનો હોય છે. પથ્થર કદાચ તારે-તરે પણ પાપ તો નથી તારે ન તો તરે.શિવજીનો નંદી તો ધર્મનું પ્રતિક છે માટે તો શિવજીએ વાહન તરીકે નંદીને પસંદ કર્યો છે.

મંદિરમાં જઈએ છીએ ત્યારે નંદીના ત્રણ પગ વળેલા હોય છે અને ચોથા પગનાં સહારે નંદીજી ઊભા છે. એનો અર્થ એ થાય છે કે સતયુગ પૂરો થાય છે એટલે સતનો પગ વળી જાય. દ્વાપરયુગ પૂરો થાય એટલે તપનો પગ વળી જાય. ત્રેતા પૂરો થાય એટલે દયાનો પગ વળી જાય છે. કળિયુગ ધર્મ અને દાનના આધારે ટકી રહ્યો છે. જ્યારે નંદીનો ચોથો પગ વળશે ત્યારે પૃથ્વી પર પ્રલય થશે.

નંદી એ બળદ છે તો એક વિચાર આવે કે શિવજીએ બળદને જ કેમ પસંદ કર્યો હશે? કારણ બળદ એ પુરુષાર્થનું પ્રતિક છે. પુરુષાર્થ બે પ્રકારના છે. 1] સ્વાર્થ માટે 2] પરમાર્થ માટે. ભલે બળદ પુરુષાર્થ પોતાના પેટ માટે કરે છે પણ હજારો મણ અનાજ પકવીને લોકોનાં પેટ ભરે છે. બસ તેનાં આજ પરમાર્થને ધ્યાનમાં લઈ શિવજીએ બળદને પોતાના વાહન તરીકે બિરદાવ્યો.

મહાદેવના દર્શન કરવા આપણે પહેલી અને છેલ્લી આંગળી નંદીના શિંગડા પર ટેકવી વચ્ચેથી શિવજીનાં દર્શન કરીએ છીએ. એનો અર્થ એ થાય છે કે ધર્મ વિના મહાદેવનાં દર્શન નથી થતાં.

કાચબો [કચ્છપ] :-

નંદી અને શિવજીની વચમાં કાચબાને મૂકવામાં આવ્યો છે. કાચબો એ સંયમનું પ્રતિક છે. મુશ્કેલ સમયમાં કાચબો પોતાનાં દએક અંગને અંદર સમેટી લે છે તેવી જ રીતે જ્ઞાની પુરુષ પોતાની ભટકતી ઈંદ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લે તો શિવ પ્રાપ્ત કરી શકે છે.

Posted by alliswell at

ષટ્તિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે

પુલત્સ્ય ઋષિને દાલભ્ય ઋષિ પ્રશ્ન પૂછે છે. “હે મુનિવર્ય! મૃત્યુલોકમાં જન્મ્યા પછી મનુષ્ય જાણે-અજાણે અનેક પાપ કર્યા કરે છે. મનુષ્યે બ્રહ્મહત્યા કરી હોય, કોઈનું દ્રવ્ય ચોરી લીધું હોય, પરસ્ત્રીગમન કર્યું હોય તો પણ શું તે સ્વર્ગ-પ્રાપ્તિ કરી શકે છે? આવા ઘોર કર્મ કરનારના પાપનું નિવારણ ખરું?”

પુલસ્ત્ય મુનિ કહે છેઃ “હે મુનિ! આજ સુધી બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોએ પણ આ રહસ્ય ગોપનીય રાખ્યું છે. ષટ્તિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે.” આ વ્રતની વિધિ આ પ્રમાણે છેઃ

વ્રતધારીએ ગાયના છાણમાં તલ અને રૃ મિશ્રિત કરીને ૧૦૮ ગોળા બનાવવા. આ ગોળા પોષ વદ અગિયારશ પહેલાં બનાવી મહા માસમાં તૈયાર રાખવા.

ષટ્તિલા એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઊઠી સ્નાન-વિધિથી પરવારી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરવું, રાત્રે જાગરણ કરવું, શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી પ્રભુનું અર્ચન-પૂજન કરવું, અને સુગંધિત દ્રવ્યો સમર્પણ કરવાં અને અર્ધ્ય આપી પિતૃઓની સદ્ગતિ માટે પ્રાર્થના કરવી.

વ્રતધારીએ પોતાની શક્તિ અનુસાર તલનું ભરેલું પાત્ર અને શ્યામ રંગની ગાય દાનમાં આપવાં. જેટલા તલનું દાન કર્યું હોય તેટલા હજાર વર્ષપર્યંત સ્વર્ગ-પ્રાપ્તિ થાય છે. ષટ્તિલા એટલે મકર સંક્રાન્તિનું સ્વાગત કરવાની પૂર્વ તૈયારી.

વ્રતીએ – (૧) શરીરે તલના તેલની માલિશ કરવી, (ર) તલના પાણીથી સ્નાન કરવું, (૩) તલનો હોમ કરવો, (૪) તલ નાખેલા જળનું પાન કરવું, (પ) તલવટ બનાવીને ખાવો અને (૬) તલનું દાન કરવું. આ છ પ્રકારે તલ પાપ નષ્ટ કરે છે. (તિલા એટલે તલ)

ઉદારતા એ પ્રેમનું સાચું રૃપ છે. પ્રેમમાં પણ ક્યારેક સ્વાર્થભાવના છુપાઈ રહેલ હોય છે. ઉદાર વ્રતધારી અન્યનું દુઃખ દેખી પોતે દુઃખી થાય છે. પ્રકૃતિનો એ ન ભૂંસાય તેવો નિયમ છે કે કોઈ પણ ત્યાગ વ્યર્થ જતો નથી, કરેલ સુપાત્ર દાન વ્યર્થ જતું નથી. આપણાથી વધારે ગરીબ લોકોને દાન આપવાથી આપણી પોતાની ગરીબીનો ભાવ નષ્ટ થઈ જાય છે, એનામાં આત્મવિશ્વાસ દૃઢ બની જાય છે, પરિણામે તેની માનસિક શક્તિ પણ દૃઢ બને છે. જે વ્રતી નિત્ય ઉદાર વિચાર રાખે છે, તેના સંકલ્પો પણ સિદ્ધ થાય છે, પરંતુ આત્મસુખ તો ઉદારતા વગર અશક્ય છે.

તમારે જેની જરૃર નથી એ વસ્તુ મને આપી દો એમાં “ઉદારતા” નથી, પણ તમારે જેની જરૃર મારા કરતાં વધારે છે, એ વસ્તુ તમે મને આપી દો, એમાં જ સાચી ઉદારતા છે.

‘હે નારદ! ષટ્તિલા એકાદશીનું વ્રત તો માત્ર ઉદાહરણ તરીકે છે. ઉદાર વ્રતધારી પોતાની આસપાસ ઉત્તમ પ્રકારની ઉદારતાનું વાતાવરણ સર્જી શકે છે. વિદ્યા જેટલી વધારે અપાય તેટલી તે વધે છે. દાન દેવાથી કોઈ વસ્તુનું વધવું તે કાંઈ ફક્ત વિદ્યાદાનના વિષયમાં સાચું છે તેમ નથી, પરંતુ ઔદાર્યની બાબતમાં પણ સાચું છે.’

સ્વાર્થની ભાવના મનમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે અને ઉદારતાની ભાવના શીલ ઉત્પન્ન કરે છે. ઉદાર વિચાર મનુષ્યની એવી મહાન સંપત્તિ છે કે જે તેને વિપત્તિ સમયે સહાયતા કરે છે. ઉદાર મનુષ્ય હંમેશા ઉત્સાહી અને આશાવાદી હોય છે. ઉદારતા કે પરોપકાર તે માનવમાત્રનું કર્તવ્ય છે. જે મનુષ્ય જનકલ્યાણ માટે મથતો નથી તેનું જગતમાં જન્મવું અને જીવવું ભારરૃપ છે.

એકાદશીનું અનુપમ વ્રત કરનારે પોતાની જીવનસરિતા કલ્યાણ માર્ગે વહાવવી જોઈએ. તેના હ્ય્દયમાં હંમેશા લોકકલ્યાણની ભવ્ય ભાવના વસેલી હોવી જોઈએ. આપણું જીવન આપણા એકલા માટે જ છે એવું નહીં માનતા સર્વના માટે છે એમ માનવું. સહ્ય્દયતા એ અમૂલ્ય ધન છે. આપનાર મેળવે છે, લેનાર ગુમાવે છે. ઉદારતા એ માનવજીવનનો અતિ સુંદર અંશ છે. રાય અને રંકની પરિભાષા એ છે કે, સંતોષી તે રાય અને અસંતોષી તે રંક. પ્રસિદ્ધિ અને રિદ્ધિ એ બેમાંથી એકેય સિદ્ધિનું સાચું માપ નથી. સિદ્ધિનું સાચું માપ છે માત્ર ઉદારતા. જે ઉદારતામાં અભિમાન ભળે છે એ ઉદારતા પોતાની સાત્ત્વિકતા ગુમાવી બેસે છે.

આ બ્રાહ્મણ સ્ત્રીએ પોતાની શક્તિ અનુસાર ઉદારતાથી અન્ન-વસ્ત્રનું દાન કર્યું હતું તેથી અને ષટ્તિલા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી સૌન્દર્ય, તેજ, રિદ્ધિ-સિદ્ધિ, સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થયાં હતાં. આ પરમ પવિત્ર દિવસે જે લોકો લોભવૃત્તિ ત્યજીને, તૃષ્ણા ત્યજીને, “તેન ત્યકતેન ભુંજિથા”એ સૂત્રાનુસાર ત્યાગ-ભાવના દાખવીને, ઉદારતા દાખવીને દલિતપીડિત વર્ગને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન વગેરે આપે છે તે વ્યક્તિ જન્મજન્માંતર સુધી આરોગ્યને પામે છે. તેને દુઃખ, દરિદ્રતા અને દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી.

આ પ્રકારે ભવિષ્યોત્તર પુરાણમાં આ વ્રતના મહાત્મ્યનો જે નિર્દેશ કર્યો છે તે મહાત્મ્ય નારદજીને ભગવાન શ્રીકૃષ્ણે સવિસ્તાર કહી સંભળાવ્યું. આ વ્રત-કથાનું જે શ્રવણ અને વાંચન કરે છે તેના પણ સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વૈકુંઠને પામે છે.

રામ નામનો મહિમા અનન્ય છે

રામ નામનો મહિમા અનન્ય છે. સંસારના આધિ, વ્યાધિ અને ઉપાધિનો એકમાત્ર ઉપાય તે રામનામ છે. ‘રામનામ’ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત ‘રામ’ બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે.

આ કળિયુગમાં નામ-સ્મરણનો મહિમા વિશેષ છે. ‘રામનામ’ એ તો રામ કરતાં પણ શ્રેષ્ઠ છે ! શ્રીરામે તો એક અહલ્યાનો જ ઉદ્ધાર કર્યો, જ્યારે તેમનાં નામથી તો કેટલાયની કુબુદ્ધિ રૂપી અહલ્યાનો ઉદ્ધાર થયો. રામે એક પરશુરામના ધનુષ્યનો નાશ કર્યો, જ્યારે તેમનાં નામે તો કેટલાયના અહંકાર રૂપી ધનુષ્યનો નાશ કર્યો, રામનામ જીભ પર રાખો તો હ્રદયમાં અને બહાર બધે પ્રકાશનો તેજપૂંજ ઝળહળી ઊઠશે. આખો દિવસ રામનું નામ લીધા કરો, પણ મન જો બીજે લાગેલું હોય તો એવા નામજપથી ઝાઝો ફાયદો થતો નથી. નામજપની સાથે એકાગ્રતા પણ જોઇએ. આપણે કામકાજ કરવું, પણ રામકાજ ભૂલવું જોઇએ નહિ.

રામ રામેતિ, રામ રામે મનો રામે | સહસ્ત્ર નામ તતુંભ્યમ્‌ રામનામ વરાનને ||

સ્વયં ભગવાન શિવે મહાભારતમાં રામ નામની ભવ્ય પ્રશંસા કરી છે. મહાભારતમાં શિવ અને પાર્વતીનો વિષ્ણુસહસ્ત્ર નામના સંદર્ભમાં એક સંવાદ મુકવામાં આવ્યો છે. શિવ અહીં સમજ આપતાં કહે છે કે શ્રી ભિષ્મે વિષ્ણુના સહસ્ત્ર (હજાર) નામો ૧૦૭ પદોમાં વર્ણવ્યાં છે. તેથી પાર્વતી શિવને પ્રશ્ન પુછે છે કે આ સહસ્ત્ર નામરૂપી માળાનું કોઇ એક રૂપ અસ્તિત્વમાં છે કે જેનો પ્રભાવ હજાર નામ બરાબર હોય. શિવ જવાબમાં કહે છે કે માત્ર રામના નામનો પ્રભાવ જ વિષ્ણુના સહસ્ત્ર નામ બરાબર છે.

‘રામ’ ને બદલે ‘મરા…મરા…’ બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો. તુલસીદાસજી જેવા અનેક સંત-મહાત્માઓ રામનામનું શરણું લઈ ભવપાર તરી ગયા હતા. તુલસીદાસજીએ રામચરિત માનસ દ્વારા એ રામકથાને ઘર-ઘર સુધી પહોંચાડી. રામનામનો મહિમા કરતાં તેઓ કહે છે કે, ‘મંગલ ભવન અમંગલહારી…’ રામનું નામ બધા જ અમંગલોને દૂર કરનારું છે અને બધા જ મંગલોનું નિવાસસ્થાન છે.

Advertisements