શ્રી ગણેશ યજ્ઞ

શ્રી ગણેશ યજ્ઞ 

कालौ गणाधिपः श्रेष्ठस्तेनानन्तफलप्रदः।
पूजयेदेवदेवेशं सर्वविघ्नोपशान्तये॥
अन्ते च परमं धाम दधाद भत्केषु पावनम।

ભગવાન શ્રી ગણેશ કલયુગમાં સર્વશ્રેષ્ઠ દેવ કહેવાય છે. જેથી તે અનન્ત ફલના દાતા છે. મનુષ્યોના સકલ વિઘ્નોની નિવૃતિ માટે દેવાધિદેવ ગણેશજીની પૂજા કરવી જોઇએ. ગણેશજી આ લોકમાં ધન – ધાન્ય આદિ આપે છે અને અંતે શરીર છોડ્યા પછી ભક્તને પરમ પાવન દિવ્ય ધામ આપે છે.

॥ कलौ चंडी विनायकौ ॥

આ સૂત્ર અનુસાર કલિયુગમાં ચંડી (દેવી) અને ગણેશજીની આરાધના શ્રેષ્ઠ કહી છે.
સનાતન ધર્મમાં મુખ્ય પાંચ દેવતાઓ છે. જેમાં ગણેશજી નો સમાવેશ થાય છે. ભગવાન ગણેશ પૃથ્વી તત્વના અધિપતિ દેવ છે માટે ઉપનિષદોમાં કહ્યુ છે કે मूलाधार स्थितोसि नित्यम ॥ ગણેશજી મૂલાધારમાં નિત્ય સ્થિત છે.

ગણેશ યજ્ઞનું મહત્વ

ભગવાન શ્રી ગણેશની આરાધનાથી મનુષ્યના વિઘ્નો, સંકટો અને અશાંતિ દૂર થાય છે. નારદ પુરાણમાં “સંકષ્ટ નાશન” નામનું ગણપતિનું સ્તોત્ર છે, જેમાં નારદજી કહે છેઃ

विध्यार्थी लभते विध्या धनार्थी लभते धनम् ।
पुत्रार्थी लभते पुत्रान्मीक्षार्थी लभते गतिम् ॥

વિધ્યાર્થી ગણેશજીની ઉપાસના કરે તો તેને વિધ્યાની પ્રાપ્તિ થાય છે. ધન પ્રાપ્તિની કામના થી પૂજા કરે તો ધનની પ્રાપ્તિ થાય છે. પુત્ર પ્રાપ્તિની કામના વાળાને પુત્ર પ્રાપ્ત થાય છે. મોક્ષ ઈચ્છનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

હોમાત્મક ફળ

“દૂર્વાંકૂરો” થી (ધરો) હોમ કરનાર તે કુબેર જેવો ધનવાન બને છે.

“ડાંગર” થી હોમ કરે છે તે યશસ્વી તેમજ બુધ્ધિમાન બને છે.

એક હજાર “મોદક” (લાડુ) થી હોમ કરે છે તે વાંચ્છિત ફળ મેળવે છે.

જે “ઘી” અને “સમિધ” દ્વારા હોમ કરે છે તે દરેક વસ્તુ મેળવી શકે છે.

ગણેશ યજ્ઞમાં અગ્નિકુંડમાં મહાગણપતિનું આવાહન કરી ૧૦ બ્રાહ્મણો દ્વારા ગણેશ અર્થવર્શીષ સ્તોત્ર દ્વાર ૧૦૦૦ મોદકનો હોમ કરવામાં આવે છે.
સામાન્યતઃ દરેક વ્યક્તિ માટે હવન, યજ્ઞ, યાગ આ દરેક શબ્દનો અર્થ એક જ થાય છે તેમ સમજે છે. પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ તે અલગ – અલગ છે.

હવન : જેમાં યજ્ઞ કુંડમાં ૧૦૦૦ થી ઓછી આહુતિ અપાય તેને હવન કહેવાય.

યજ્ઞ : જે યજ્ઞકુંડમાં ૧૦૦૦ થી વધારે આહુતિ અપાય તેને યજ્ઞ કહેવાય.

યાગ : જેમાં દસ હજાર કે તેથી વધુ આહુતિ અપાય તેને યાગ કહેવાય છે. જે ત્રણ, પાંચ, નવ, અગિયાર દિવસનો હોમાત્મક પ્રયોગ હોય છે.

શ્રી ગણેશ કથા વિવાહ

એક વખત ગણેશજી અને કાર્તિકેયજીના વિવાહ નો વિવાદ થયો. બંને  પુત્રો વચ્ચે એવો વિવાદ થયો કે એક કહે હું પહેલો પરણીશ.બીજો કહે હું પહેલો, પરણીશ, એમ પરસ્પર વિવાદ થવા લાગ્યો.

માતા-પિતાએ બંનેને બોલાવ્યા અને કહ્યું કે, “અમારે મન બંને પુત્રો સરખા છે, બંને ઉપર સરખો પ્રેમ છે. અમે એવો નિર્ણય કર્યો છે કે, જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો વિવાહ પહેલો કરવો.”

કાર્તિકેય તો સત્વરે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડયા, પરંતુ ગણેશજી એ ચતુરાઇ વાપરી. તેમણે માતા-પિતાને આસન પર બિરાજમાન થવાનું કહી તેમની વિધિપૂર્વક પૂજા કરી અને સાત વાર પ્રદક્ષિણા કરી કહ્યું કે, તમારે મારો વિવાહ હવે કરાવી આપવો જોઇએ, કારણકે શાસ્ત્રમાં કહ્યું છે કે , જે કોઇ વ્યકિત માતા-પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે છે તો તેને પૃથ્વી ની પ્રદક્ષિણા કર્યાના ફળ ની પ્રાપ્તિ થાય છે. માતા-પિતાનાં ચરણની સેવા એ જ ઉત્તમ તીર્થ છે.માતા-પિતા ગણેશ ની વાત સાંભળી વિવાહ કરવા સંમત થયાં.

વિશ્વરૂપ નામના પ્રજાપતિની બે સ્વરૂપવાન દિવ્યાંગના સમાન ‘સિદ્વિ’ અને ‘રિદ્વિ’ નામની બે પુત્રીઓ સાથે શિવ-શિવાએ ગણપતિના વિવાહ યોજ્યા. શ્રી વિશ્વકર્મા પ્રભુએ ગણપતિના વિવાહ નો ઉત્સવ ભવ્ય રીતે ઉજ્વ્યો અને સર્વ દેવો તથા મુનિવર્યોને પ્રસન્ન કર્યા. ગણપતિએ સિદ્વિ અને રિદ્વિ સાથે આનંદથી સમય પસાર કર્યો. સમય જતાં સિદ્વિની કૂખે ‘ક્ષેમ’ અને રિદ્વિ ની કુખે ‘લાભ’ નામે પુત્રરત્ન નો જન્મ થયો.

આ બાજુ કાર્તિકેય ને નારદજી એ સમાચાર આપ્યા કે, પૃથ્વીની પ્રદક્ષિણાને બહાને તમને દૂર-સુદૂર ધકેલી દઇ ગણેશ નો વિવાહ દેવાંશી રૂપવાળી બે દિવ્યાંગનાઓ સાથે કરી દીધો અને બંનેને એક એક પુત્રને જન્મ પણ આપ્યો છે.કાર્તિકેય આથી રિસાઇ ને કૌંચ પર્વત ઉપર જઇ ને વસ્યા. ત્યાર બાદ કાર્તિકેય સ્વામી પ્રત્યે લાગણીવશ શંકર અને પાર્વતી પણ કૈલાશ થી દક્ષિણ માં આવી શ્રી શૈલ પર રહ્યાં.

કાર્તિકેય ગણપતિના વિવાહ બાદ બધી વાત જાણ્યા પચે ઉદ્વેગથી મહાભિનિષ્ક્રમણ કર્યું હતું અને આજીવન કુંવારા રહ્યા હતાં. પુત્રવિયોગ અસહ્ય લાગતાં શિવ-પાર્વતી કૌંચ પર્વત પર  ગયાં હતાં અને ત્યાં ‘મલ્લિકાર્જુન’નામે જ્યોતિર્લિગ સ્વરૂપે પ્રતિષ્ઠિત થયાં હતાં. ત્યાર પછી દર પૂનમે પાર્વતીજી અને દરેક અમાસે શિવજી કુમાર કાર્તિકેય નાં દર્શને જતાં હતાં. કાર્તિકી પૂનમે જે કોઇ ભગવાન કાર્તિકેય નાં દર્શન કરે ચે તેને ઇષ્ઠસિદ્વિ પ્રાપ્ત થાય છે અને તેની મનોકામના પૂર્ણ થાય છે.

ગૌરીપુત્ર ગણેશ નો જેટલો વ્યાપક પ્રભાવ આજે જનસમાજ પર છે તેટલો ભાગ્યે જ અન્ય કોઇ દેવનો હશે. કોઇ પણ શુભ કાર્ય નિર્વિધ્ને સમાપ્ત કરવા માટે સર્વપ્રથમ ગણેશનું પૂજન કરીને તેમની અનુકંપા મેળવાય છે. હકીકતમાં, ‘શ્રીગણેશ કરવા’ એ ‘શરૂઆત કરવી’નો પર્યાયવાચી રૂઢિપ્રયોગ બની ગયો છે.

Advertisements