રાધાજી નો બર્થ ડે

કૃષ્ણજન્મ સૌ ઊજવે, તો પછી રાધાષ્ટમી કેમ નહીં? આ સવાલમાં ઊંડાં ઊતરતાં જાણવા મળ્યું કે વ્રજમાં ઉજવાતી રાધાઅષ્ટમીની રંગત જ કંઈ ઓર છે…

‘રાધે પ્યારીને જનમ લિયો હૈ, ચલો, વૃષભાનુ ગોપ કે દ્વાર…’ શ્રાવણ વદ આઠમ એટલે કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આ વખતે સપ્ટેમ્બર મહિનાની બીજી તારીખે જન્માષ્ટમી રંગેચંગે ઊજવાશે. જન્માષ્ટમી એટલે કૃષ્ણનો જન્મોત્સવ. જન્માષ્ટમી પછી બરાબર પંદર દિવસ પછી આવતી તિથિ અને હિંદુ કેલેન્ડર પ્રમાણે ભાદરવા સુદ આઠમ એટલે રાધાષ્ટમી. ગણેશોત્સવ દરમિયાન થતું ગૌરીપૂજન પણ આ જ દિવસે કરવામાં આવે છે. રાધાષ્ટમી ખાસ કરીને ઉત્તર ભારતમાં ધામધૂમથી ઊજવાય છે.

ભગવાન વિષ્ણુના વીસમા અવતાર તરીકે ભારત ભૂમિમાં દ્વાપર યુગમાં અવતરનારા શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. શક્તિસ્વરૂપા શ્રીરાધાનું પવિત્ર નામ પણ એમની સાથે જોડાયું છે. રાધા વિશે અનેક લોકવાયકા પ્રચલિત છે. રાધા એટલે શક્તિ, રાધા એટલે પ્રેમલક્ષણા ભક્તિ, શ્રીકૃષ્ણનું ડાબું અંગ એટલે રાધા. મીઠે રસ સે ભરી રે રાધારાની… વિયોગની વેદનામાં પણ ઐકયની તીવ્રતા અનુભવે એ રાધા. કહેવાય છે કે રાધા એટલે રસની ધારા. આ ભક્તિરસની ‘ધારા’ ઊંધી વહેવા માંડે (એટલે કે જગતથી વિમુખ થઈ પ્રભુ તરફ ગતિ કરે) ત્યારે એ ‘રાધા’ બની જાય છે. જોકે વિશેષ ઘ્યાન ખેંચે એવી વાત એ છે કે વેદવ્યાસજીએ લખેલા ‘શ્રીમદ્ ભાગવત’માં રાધાનો ક્યાંય ઉલ્લેખ નથી!

મૂર્ધન્ય સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ ‘કૃષ્ણાવતાર’માં લખ્યું છે: ‘રાધા વિનાના કૃષ્ણની કથાનો વિચાર કરવો પણ મુશ્કેલ લાગે છે.’ ભોગીભાઈ શાહ રચિત ‘રાધાવતાર’ પુસ્તકમાં આવતી કથા પ્રમાણે રાધા ગોલોકમાં હતાં ત્યારે એમને શ્રીદામા નામના પાર્ષદ(દેવતાઓના સંદેશવાહક)નો પ્રતિશાપ મળ્યો હતો. આ શાપને લીધે રાધાએ મૃત્યુલોકમાં મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડયો અને પ્રભુના વિરહાગ્નિમાં રાધા સો વર્ષ સુધી ઝૂર્યા હતાં. રાધા અને કૃષ્ણને યુગલસ્વરૂપે પૂજવાં અને ભજવાંની પરંપરા સદીઓથી ચાલી આવી છે.

હિંદુ ધર્મ પ્રમાણે ઇશ્વર સનાતન છે. પૃથ્વી પર ઇશ્વરનું જુદા જુદા મનુષ્ય-અવતારરૂપે પ્રાગટય થાય એ દિવસ એમનો જન્મદિવસ બને છે. રાધા-અષ્ટમીનો ઉત્સવ જન્માષ્ટમી જેટલો વ્યાપક અને લોકપ્રિય નથી. આ ગોવાલણીનું પ્રાગટય, કૃષ્ણ સાથેનું પ્રથમ મિલન તેમ જ કાનુડા સાથેની અનેક લીલા જયાં થઈ હતી તે ધરતી એટલે ગોકુળ-વૃંદાવન-બરસાનાના વ્રજ તરીકે ઓળખાતા સમગ્ર વિસ્તારમાં આજે પણ રાધાઅષ્ટમી રંગેચંગે મનાવાય છે.

વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે રાધાનો જન્મ વૃંદાવનથી ૮ કિલોમીટર દૂર આવેલા બરસાના ગામમાં થયો હતો. રાધિકા, ગાંધર્વી, કૃષ્ણમયી, વૃંદાવનેશ્વરી, વ્રજરાણી, ગોકુળતરુણી જેવાં અનેક નામથી ઓળખાતી રાધા ગાયો ચરાવનાર રાજા વૃષભાનુ અને રાણી કીર્તિદા(કલાવતી)ની પુત્રી હતી. સ્નાન કરવા ગયેલા વૃષભાનુએ યમુનાનાં જળમાં કમળના ફૂલમાં એક તેજસ્વી કન્યા જોઈ હતી, તે રાધા. રાધાનો જન્મ ભાદરવા સુદ આઠમ અને પ્રાકટયની તિથિ ભાદરવા સુદ બારસ ગણાય છે. એક માન્યતા પ્રમાણે રાધાનો જન્મ બરસાના નહીં, પણ રાવળ ગામમાં થયો હતો.

બરસાનામાં બ્રહ્મા પર્વતની ટોચ પર રાધામંદિર આવેલું છે. ત્યાં ઊજવાતી રાધાઅષ્ટમી વિશે વાત કરતાં બરસાનામાં મોટા થયેલા અને હાલ મુંબઈ સ્થાયી થયેલા ગોવર્ધનલાલ યુગલકિશોર શર્મા (પંડા) ‘અહા!જિંદગી’ને કહે છે, ‘આમ તો જન્માષ્ટમીના દિવસથી જ રાધાજન્મની વધાઈનાં ગીતો ગવાવાં માંડે છે. રોજ રાત્રે ત્રણ વાગ્યાથી સવારે મંગળાઆરતી સુધી વધાઈનાં કીર્તનો અને પદો ગવાય છે.’

સપ્તમી એટલે કે રાધાજન્મને આગલે દિવસે થતી ‘લડ્ર્ટફેંક લીલા’ ખૂબ રોચક હોય છે. શ્રદ્ધાળુઓ અને ભકતો પોતાની ઈરછા પ્રમાણે લાડુ લાવે છે. રાધામંદિરના ચોગાનમાં આ લાડુ એકબીજા પર ફેંકવામાં આવે છે અને ત્યાર પછી તે પ્રસાદ તરીકે ખવાય છે! સપ્તમીને દિવસે જ મંદિરમાં છપ્પનભોગ ધરાવવામાં આવે છે. આ રાજભોગમાં ભાતભાતના લાડુ, ઘારી-ઘૂઘરા (ચોખા અને ઘઉંના લોટમાંથી બનતી સૂકામેવાના સ્ટિંફગવાળી, કેસર અને લવિંગવાળી ખાસ મીઠાઈ), ખાંડની ચાસણીમાં બોળેલી બદામ, મખાણા, મઠડી (ગળી અને સોલ્ટી), પંજાજીરી(સુવા, અજમા, વરિયાળી, સૂકા ધાણા, જીરું અને દળેલી ખાંડ) ઉપરાંત સખડી તરીકે ઓળખાતી વાનગીઓમાં બિરંજ, જીરાંભાત, બૂરાં ભાત, સૂકામેવાનો ભાત, દહીંભાત, કઢીભાત, અંગારોટી, મેથી, બૂરું (દળેલી ખાંડ) ઘી-રોટી, મીસરી રોટી, ફૂલકા રોટલી, દાળ, મગ વિવિધ શાકભાજી, અનેક પકવાન, દહીંપકોડા, દહીંવડા, પૂરી, કચોરી, અથાણાં પાપડ અને ખીર, માખણ મીસરી વગેરે હોય છે. ભોગ ધર્યા પછી કેસર, એલચી, સોપારી અને સૂકામેવાવાળાં પાનનાં બીડાં ધરાવાય છે.

સપ્તમીની રાત્રે અને અષ્ટમીની સવારે પાંચ વાગ્યે રાધાનો જન્મ થયા પછી રાધાની વિશિષ્ટ મૂર્તિ પર મહાઅભિષેક કરવામાં આવે છે. આ કોઈ સામાન્ય મૂર્તિ નથી, બલકે તે રાધાના પ્રાગટયરૂપે મળેલી પ્રતિમા છે. આખા વર્ષમાં આ એક જ વાર ભાવકોનાં દર્શનાર્થે તેને બહાર પધરાવવામાં આવે છે. તેથી જ આ મહાઅભિષેકનું ઘણું માહાત્મ્ય છે. અભિષેક માટે ઉપયોગમાં લેવાતાં પાત્રોમાં ફક્ત નીચેની બાજુએ છિદ્રો હોય છે. તેમાંથી થતી સહસ્રધારા વડે યુગલસ્વરૂપ રાધાકૃષ્ણ પર અભિષેક કરવામાં આવે છે. દૂધ, દહીં, મધ, ઘી, સાકર (પંચામૃત) અને યમુના કે ગંગાજળથી થતાં આ અભિષેકમાં બરસાનાના ભટ્ટપરિવારમાંની કોઈ એક વ્યકિત જરૂર સામેલ હોય છે. ભટ્ટ એટલે મંદિરના ગોસ્વામીઓના ગુરુ.

મહાભિષેક બાદ પલનાનાં દર્શન થાય છે જેમાં રાધાના પ્રાગટય સ્વરૂપને પારણામાં બેસાડી ઝુલાવાય છે. અષ્ટમીની સાંજે છ વાગ્યે રાધામંદિરથી પચાસેક પગથિયાં નીચે આવેલી છત્રી જેવી ઘુમ્મટવાળી બેઠકમાં મંદિરમાં બિરાજેલી રાધાકૃષ્ણની પ્રતિકૃતિને લાવવામાં આવે છે. આ યુગલસ્વરૂપ રાધાઅષ્ટમી ઉપરાંત હરિયાળી અમાસ અને ધૂળેટીના દિવસે, આખા વરસ દરમિયાન બધું મળીને ત્રણ વાર આ બેઠકમાં બિરાજે છે. એકાદ કલાક પછી તેને ફરી મંદિરમાં પધરાવાય છે. ત્યાર બાદ એ દિવસની છેલ્લી શયનઆરતી કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન પ્રભુ સમક્ષ થતી આરતી જે-તે પરિવારના ગોસ્વામી કરતા હોય છે, પણ આ આરતીની વિશિષ્ટતા એ છે કે તે વખતે જે ગોસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરતા હોય એમના પરિવારની કોઈ એક કુંવારી કન્યા જ આ શયનઆરતી કરી શકે. કુમારિકા દ્વારા થતી આ આરતીને ‘આરતા’ કહેવાય છે.

સપ્તમીથી શરૂ થયેલો ઉત્સવ છ દિવસ ચાલે છે. બરસાના નજીક આવેલા બ્રહ્માનાં ચાર મુખ સમા દાનગઢ, માનગઢ, વિલાસગઢ અને મોરગઢ (જેને મોરકુટી પણ કહેવાય છે)નું આ દિવસો દરમિયાન ઘણું મહત્ત્વ છે. નવમીને દિવસે વિલાસગઢ પર મહારાસ લીલા રચાય છે. તે સમાપ્ત થયા પછી જ મંદિરમાં ભોગઆરતી થાય છે. આ જ રીતે દશમીએ મોરગઢ, એકાદશીએ માનગઢ અને બારસને દિવસે દાનગઢ પર આવી રાસલીલા રચાય છે. એકાદશીને દિવસે બરસાનાથી ચાર કિલોમીટર દૂર આવેલા ગોપાલજીના મંદિરના પ્રેમસરોવર કુંડમાં અનોખી નૌકાવિહારની લીલા પણ થાય છે. આ જ પ્રકારની નૌકાલીલા બીજા દિવસે બરસાનામાં આવેલા પીલી પોખારમાં થાય છે. તેરસે એટલે કે ઉત્સવના છેલ્લા દિવસે સાંકરી ખોરમાં થતી મટકીલીલા પણ સુંદર હોય છે.

આ ઉત્સવ દરમિયાન નંદગ્રામથી આવેલા ગોસ્વામીઓ અને બરસાનાના ગોસ્વામીઓ વચ્ચે રાધાકૃષ્ણનાં પદોની સામસામી સ્પર્ધા થાય છે. એ રસાકસીને સ્થાનિક લોકો ‘સમાજ’ કહે છે. બરસાનાના મુખ્ય રાધામંદિર ઉપરાંત વૃંદાવનમાં આવેલું રાધાવલ્લભ મંદિર પણ મહત્ત્વનું ગણાય છે. ત્યાં પણ રાધાઅષ્ટમીનો ઉત્સવ વત્તેઓછે અંશે આ જ રીતે મનાવાય છે.

રાધાકૃષ્ણની શિલ્પકૃતિ તેમ જ રાધાની સખીઓની મૂર્તિઓને રાજવી વસ્ત્રો પહેરાવી સુંદર રીતે શણગારેલા રથમાં મંદિર બહાર ફેરવવામાં આવે છે. વ્રજની ગલીઓમાં ઢોલ, મંજીરા વગાડતા અને હર્ષનાદ કરતા લોકો, દુનિયાભરમાંથી આવેલા ભકતો, ઠેરઠેર રાસલીલા કે બાળલીલા જેવી પ્રસંગાનુરૂપ ઝાંખીઓ, ઢાંડિયા (પરંપરાગત પોષાકમાં સખીભાવે નાચતાં સ્ત્રી-પુરુષો)નાં નાચગાન તેમ જ મધુર અવાજે ગવાતી રાધા સ્તુતિ-રાધા આરતી- રાધા ચાલીસા શ્રદ્ધાળુઓને અલૌકિક દુનિયામાં પહોંચી ગયાની અનુભૂતિ કરાવે છે.

Advertisements