અદ્દભુત બોધકથાઓ-સોનાનો કળશ

 

bodhkatha7ઘણા જૂના જમાનાની વાત છે. તિબેટમાં બે ભાઇબંધો રહેતા હતા. એકનું નામ ચાંગ, બીજાનું નામ કાંગ. બેઉ પાકા દોસ્ત. એકબીજાના દુ:ખે દુ:ખી થાય તેવા. પણ પૈસો બહુ ખરાબ છે. ગમે તેવા હોય તેમાં ફૂટ પડાવે. એક દિવસ ચાંગ અને કાંગ પહાડી ઉપર આવેલ બુધ્ધ ભગવાનના મંદિરે જતા હતા. રસ્તો અતિશય વિકટ અને ભયંકર હતો. ચાલતાં ચાલતાં થાકી ગયા. એટલે એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. ચાંગે મીઠાવાળી રોટલી કાઢી. કાંગને અડધી આપી. વાતો કરતા જાય અને ખાતા જાય.
ચાંગ ધીમે ધીમે ખાતો જાય ને જમીન ખોતરતો જાય. એવામાં જમીનમાં કાંઠા જેવું કંઇક દેખાયું. કાંગ ચમક્યો. ‘ચાંગ, નક્કી ખજાનો.’ માંડ્યા બેઉ ખોદવા. અને સાચે જ એક ચરુ મળી આવ્યો. સોનામહોરથી ભરેલો ચરુ જોઇ કાંગની દાનત બગડી. આટલી બધી સોનામહોરો મને મળી જાય તો? તિબેટનો સૌથી ધનવાન માણસ બની જાઉ. તેણે ચાંગને છેતરવાનું મનોમન નક્કી કર્યું. ચાંગ હતો ભોળો. એટલે મોં ફૂલાવીને કહે : ‘ચાંગ, હું નથી માનતો કે આ બધી સોનામહોરો સાચી હોય! આમ જંગલમાં આ સાચી સોનામહોરો આપણાં માટે કોઇ દાટે ખરું? તું કહે તો હું મારા ઘેર લઈ જાઉં. જો સાચી નીકળશે તો આપણા બન્નેનો અડધો ભાગ. પણ સોનીને બતાવીએ પછી ખબર પડે!’

bodhkatha1 - Copyભોળો ચાંગ કહે, ‘ભલે! તેણે મિત્રની દાનતને પારખી લીધી, પણ કશુ બોલ્યો નહીં. કાંગ સોનાનો કળશ માથે મૂકી એના ગામ ભણી ઊપડ્યો. ચાંગ એના ગામ જવા નીકળી પડ્યો. એકાદ મહિનો વીતી ગયો છતા કાંગ તરફથી કશા સમાચાર ન મળ્યા, એટલે ચાંગ મિત્રને મળવા ઊપડ્યો. કાંગના ઘરના ફળિયામાં હજુ પગ મૂકે ત્યાં તો કાંગ પોકે ને પોકે રડવા લાગ્યો. ચાંગને નવાઈ લાગી. એને થયું કે, મારા મિત્રને ત્યાં એવું તે શું બન્યું છે કે આમ પોક મૂકીને રડે છે. તેણે આશ્વાસન આપવા માંડ્યું, ‘દોસ્ત, શા માટે રડે છે? તારા દુ:ખમાં પણ હું સહભાગી છું. શું થયું?’ કાંગ બનાવટી આંસુ લૂછતા બોલ્યો, ‘મિત્ર, આપણે લૂંટાઈ ગયા. આપણો કળશ અને સોનામહોરો સાવ ખોટા નીકળ્યા.’ ચાંગ કહે, ‘અરે એમાં આમ રડે છે શા માટે? એ ક્યાં આપણી કમાઈ હતી. એ તો વળી ભગવાનના દર્શને જતાં મળેલા છે ને ખોટા નીકળ્યા, એનું તું માઠું ન લગાડ.’ કાંગ તો ચાંગનું કહેવું સાંભળી ખૂબ રાજી થઈ ગયો. ચાંગની ખૂબ ખાતબરદાસ્ત કરી, સારું સારું જમાડ્યું, બે દિવસ રોક્યો. ભાઈબંધીની કેટકેટલીય વાતોનાં ગપ્પાં લડાવ્યાં.
બે દિવસ પછી ચાંગે જવાની રજા માગી. ‘જો દોસ્ત, હું તો રહ્યો એકલો માણસ. મને ઘેર ગમતું નથી. તારા બેઉ છોકરા મોકલ તો થોડા દિવસ સાથે લેતો જાઉં?’ કાંગને તો એટલો દલ્લો હાથ લાગ્યો હતો એટલે ખૂબ આનંદમાં હતો. તેથી ઉત્સાહમાં કહે, ‘લઈ જાને દોસ્ત, બેઉ છોકરા તારા જ છે. મારી ભાભીનું દિલ પણ જરા હળવું બનશે. પંદર દિવસ પછી હું આવીને તેડી જઈશ.’
ચાંગ બેઉ છોકરાને લઈ નીકળી પડ્યો. જંગલમાંથી પસાર થતા હતા, ત્યાં તેમણે બે વાંદરાનાં બચ્ચાં જોયાં. ચાંગે બેઉ બચ્ચાંને પણ પકડીને સાથે લીધાં. ઘેર આવી એને પેલાં બાળકો સાથે ઉછેરવા લાગ્યો. ચાંગે એમને માણસની ભાષાના કેટલાક શબ્દો પણ સમજવાની તાલીમ આપી. તેમના નામ પણ ચંગુ-મંગુ પાડ્યાં. ચંગુ-મંગુ કહેતા દોડી આવતાં અને માનવ-બાળ જેવી જ હરકતો કરતાં. આમ જોતજોતામાં પંદર દિવસ વીતી ગયા. કાંગે સમાચાર કહેવડાવ્યા કે, હું મારા છોકરાઓને તેડવા આવું છું.

ચાંગે બેઉ છોકરાઓને જંગલમાં ફળ તોડવા મોકલી દીધા. બપોરે કાંગ આવ્યો. કાંગને જોઈ ચાંગ પોક મૂકીને રડવા લાગ્યો. કાંગને નવાઈ ઉપજી. તેને થયું કે, છોકરાઓને તો કંઈ થયું નહીં હોય ને? એ તો એકદમ ગભરાઈ ગયો. આખા શરીરે પરસેવો વળી ગયો. ચાંગના ખભા પકડી હચમચાવતાં કહે, ‘અરે દોસ્ત, તું કેમ રડે છે? ચંગુ-મંગુ કેમ દેખાતા નથી?’ ચાંગ કહે, ‘એ જ વાત છે મિત્ર, તારા બેઉ છોકરાઓ અહીં આવ્યા પછી વાંદરા બની ગયા છે. મારા તો દુ:ખનો પાર નથી. જો હું એને બોલાવું.’ એમ કહી ચંગુ-મંગુના નામની બૂમ પાડી. બેઉ વાનર બચ્ચાંઓ દોડી આવ્યાં. ચાંગને વળગી પડ્યા. કાંગનું લોહી જાણે થીજી ગયું. બીક તો એવી લાગી કે ચાંગના પગ પકડી લીધા, ‘દોસ્ત, મારી ભૂલ માફ કર. મને પૈસાની લાલચમાં દોસ્તી ભુલાઈ ગઈ હતી.’ આમ રડતાં રડતાં માફી માગી. એટલામાં ફળ વીણવા ગયેલા બેઉ છોકરાઓ ચાંગના ઘેર પાછા આવ્યા. પિતાને જોતાં જ ભેટી પડ્યા.
ચાંગે બાળકોને સોંપી દીધા. કાંગ કહે, ‘મિત્ર, તું પણ ચાલ, તારો અડધો ભાગ મારી પાસે છે તે લઈ જા.’ ચાંગ પણ કાંગ સાથે ગયો. બેઉ મિત્રોએ સોનામહોરોનો અડધો ભાગ કરી વહેંચી દીધો. બેઉ સુખેથી રહેવા લાગ્યા. ‘બાળમિત્રો’, લક્ષ્મીની લાલચ બૂરી છે.
.

Advertisements