અમારા કાગડાભાઈ !

 અમારા નવા ઘરમાં રસોડામાં ઓટલા પાસે એક બારી છે. બહાર જમરૂખી. તેની એક ડાળ બારીની સાવ નજીક આવેલી. મેં બે-ત્રણ દિવસ જોયું કે એક કાગડો ડાળ પર આવીને બેસે. ત્રાંસી ડોક કરી રસોડામાં જોતો રહે. જુદા જુદા એંગલ બદલીને જુએ. મારી દરેક હિલચાલ પર જાણે તેની નજર છે ! એક દિવસ મેં રોટલીના ટુકડા બારીએ મૂક્યા. કાગડાએ બે-ત્રણ વાર મારી સામે જોયું. પછી ઊડીને બારીએથી ટુકડા લઈ ગયો અને ડાળ પર બેસી ખાવા લાગ્યો. આમેય મને પંખીઓ પર બહુ પ્રેમ. મને આ કાગડો ગમી ગયો. અમારી દોસ્તી જામી. રોજ એ આવે અને હું એને કાંઈ ને કાંઈ ખાવાનું નાખું. કોઈ દિવસ ન આવે, તો મને ચેન ન પડે.  એક વાર મેં શીરો બનાવેલો. પહેલો નૈવેદ એને જ હોય ને ! ત્યાં તો કાગડાનું આવવાનું ને પતિદેવનું આવવાનું સાથે સાથે થયું. ‘અરે, ધ્યાન નથી રાખતી, આ કાગડો….’ – કહેતાં પતિદેવે બારી પાસે દોડીને ઝાપટ મારી. કાગડો ઝપાટાભેર શીરો લઈને ઊડી ગયો. ડાળીએ બેસી મજેથી ખાતો રહ્યો, ચાંચ લૂછતો રહ્યો. હું તેને જોઈ મરક-મરક હસતી રહી. પતિદેવને ભાન થયું, ‘હં….અ…..અ… ત્યારે એ તો તારો મહેમાન છે !’  એક દિવસ એ જમવા બેઠા. હું ગરમ-ગરમ રોટલી ઉતારીને આપતી હતી. ત્યાં ડાળીએ કાગડાભાઈ દેખાયા. સહજ જ મેં ટુકડો કરીને બારીએ મૂક્યો અને બાકીની રોટલી પતિદેવના ભાણામાં. ત્યાં તો રોટલી ઊછળીને પડી મારા પગમાં અને પતિદેવ ઊછળ્યા : ‘આ શું ? કોર ભાંગેલી, કાગડાને આપતાં બચેલી રોટલી મને !’ ચહેરો તો એવો તમતમતો હતો કે તેના પર રોટલી મૂકી હોય તો શેકાઈ જાય ! ‘સૉરી !’ કહી મેં બીજી રોટલી આપી. અને એ જમીને ઊઠ્યા, ત્યાં સુધી મેં બારી તરફ જોયું સુદ્ધાં નહીં. મનોમન બોલી, ‘કાગડાભાઈ, એ જમીને ઑફિસે જાય, પછી જ તું આવતો જજે !’  અમારા દમુફોઈ આવેલાં. ફુઆના મૃત્યુ બાદ ક્યાંય ગયાં નહોતાં. અમારે ત્યાં રહેવા બોલાવેલાં. મેં પુરણપોળી બનાવેલી. બે-ચાર ટુકડા બારીએ મૂકેલા. થાળી પીરસી ફોઈને જમવા બેસાડ્યાં. ત્યાં કાગડો ટુકડો લઈ જઈ ડાળીએ બેસી ખાવા લાગ્યો. પગમાં પકડી વાંકી ચાંચ કરી ખાતો જાય અને રસોડામાં જોતો જાય. દમુફોઈ એકી ટશે તેને જોઈ રહ્યાં હતાં. ત્યાં એકાએક રડવા લાગ્યાં. હું ગભરાઈ ગઈ. ‘શું થયું ?’ ‘એ જ, બસ, એ જ ! મારી પાછળ પાછળ આવ્યા.’ મને કાંઈ સમજાય નહીં. ‘પણ કોણ ?’ ‘જોતી નથી ? એ જ આવ્યા. પેલી ડાળ પર બેઠા ! અમે બંને આવવાનાં હતાં. પણ એ ન આવી શક્યા. તો આવી રીતે આવ્યા. એમને પુરણપોળી બહુ જ ભાવે. જો, કેવી ખાય છે !’ માણસનો અતૃપ્ત આત્મા કાગડા મારફત કેવો ફરી આવતો હોય છે, તેની ઘણી ઘણી વાત ફોઈએ મને કરી. ‘કાલે સીંગના લાડુ કરજે. એમને બહુ ભાવતા.’  મેં લાડુ કર્યા. ફોઈએ આખો લાડુ બારીએ મૂક્યો અને જમવા બેઠાં. નજર બારી તરફ. પણ કાગડાભાઈ દેખાય નહીં. ‘એ ચોક્કસ આવશે જ.’ ફોઈ બોલ્યાં. પણ ક્યાંય પત્તો નહીં. છેવટે મારા આગ્રહથી ફોઈએ જમવાનું શરૂ કર્યું. પણ હજી લાડુનો પહેલો કકડો ફોઈના પેટમાં જાય, ત્યાં તો બારીએ કાગડાભાઈ હાજર ! ‘જો, હું નહોતી કહેતી ?’ ફોઈનો ચહેરો પૂર્ણ કમળની જેમ ખીલી ઊઠ્યો ! પછી તો ફોઈ દસ દિવસ રહ્યાં ત્યાં સુધી રોજ ‘એમને આ ભાવે ને તે ભાવે’ કહી એમણે મારી પાસે એક એક વાનગી બનાવડાવી. કાગડાભાઈએ પણ નિયમિતતા જાળવી. દમુફોઈની થાળી મંડાય ને બારીએ અચૂક હાજર. તેને ખાતો જોઈને ફોઈને દિલમાં અપાર શાતા વળતી. પોતે તૃપ્ત થઈને અને પોતાના પતિની બધી અતૃપ્ત ઈચ્છાઓ પણ પૂર્ણ કરીને ફોઈ પાછાં ગયાં. જતાં-જતાં કહે, ‘હવે જોજે કાલથી એ આવે છે કે તારી બારીએ ! હું નહીં હોઉં ને ! આત્માની વાતો તમને આજકાલનાં છોકરાંવને નહીં સમજાય.’ ખરું છે, મને નથી જ સમજાતી. કેમ કે ફોઈ આવ્યાં તે પહેલાં પણ કાગડાભાઈ આવતા હતા અને ફોઈ ગયા પછી પણ આવતા જ રહ્યા, અને બારીએ મૂકેલું આરોગતા જ રહ્યા. કયા મૃતાત્માની તૃપ્તિ ખાતર ખાતા હશે, ભગવાન જાણે. પણ હું એટલું જાણું કે મારા એ દોસ્તને રોજ ખવડાવીને મારા આત્માને તો તૃપ્તિ થતી જ હતી.  એક રવિવારે સવારમાં પતિદેવ કહે, ‘ચાલ, આજે તો કોઈ સરસ હોટેલમાં જમીએ !’ મનેય ગમ્યું. થયું, એક દિવસ રસોડાને આરામ. પરંતુ બહાર જવા નીકળતાં જ જમરૂખી પર નજર પડી અને કાગડાભાઈ સાંભર્યા… તેને ઉપવાસી રખાય ? ઝટ રસોડામાં જઈ રાતની ભાખરી વધેલી તેના ટુકડા બારીએ રાખીને આવી, ત્યારે મને ચેન પડ્યું. પરંતુ બીજે દિવસ કમુફોઈનો પત્ર આવતાં મારું ચેન સાવ હરાઈ ગયું. એમણે લખેલું : ‘દમુફોઈ તારે ત્યાં રહી ગયાં, અને એમના પતિના આત્માને તૃપ્ત કરી ગયાં. બહેને મને બધી વાત કરી. એટલે હુંયે આવતે અઠવાડિયે પંદર દિવસ માટે તારે ત્યાં આવું છું. તારા ફુઆને ગયે સાત વરસ થયાં, પણ મારાં દીકરા-વહુએ શ્રાદ્ધ કર્યું નથી. એકેય વાર કાગવાશ સુદ્ધાં દીધી નથી. છોકરાંવ તેમાં માને જ નહીં ને ! તારે ત્યાં પંદર દિવસ રહીને હું પણ એમના આત્માને સંપૂર્ણપણે તૃપ્ત કરી દેવા માગું છું.’ પત્ર વાંચી મને તો શરીરે આખે પરસેવો છૂટી ગયો. જો પરિવારના બધા જ આત્મા તૃપ્ત થવા માટે આવી રીતે મારી બારીએ ઊતરી પડવાના હોય, તો મારી શી વલે થશે !  તેવામાં જમરૂખીની ડાળ બોલી ઊઠી અને હું ભાનમાં આવી. રોજની ટેવ મુજબ સહજ મારાથી ભાખરીના ટુકડા બારીએ મુકાઈ ગયા. અને રોજની ટેવ મુજબ લેનારો તે લઈ પણ ગયો. પગમાં પકડી વાંકી ચાંચ કરી ખાતા એ કાગમિત્રને જોઈ મારું કાળજું ઠર્યું.

Advertisements