ઉંદરની ખુરશી-બાળ વાર્તા

લાકડાનો એક કટકો લઈને ઉંદર કહે હું આવું.
સુથાર પાસે જઈને મમ્મી ખુરશી એક ઘડાવું.
મમ્મી બોલી, ‘બેટા મારા આપણને તો દર છે સારા,
ધરતીના આપણ છોરુ ભાઈ ધરતીમાં વસનારા.
નાનકડા દરમાં તું કે’ને ખુરશી કેમ સમાવું ?’
લાકડાનો એક કટકો લઈને ઉંદર કહે હું આવું.

‘દર થોડું પહોળું કરશું ને કરશું થોડું ઊંડું,
ઓથ મળી જાશે દરને જો હશે એક ત્યાં કૂંડું.
દાંત અને પગથી ઓ મમ્મી હું માટી ઉથલાવું’
લાકડાનો એક કટકો લઈને ઉંદર કહે હું આવું.

સુથાર પાસે જઈ એ બોલ્યો, ‘ખુરશી કરો તૈયાર,
સરસ મજાની ટેકણ કરજો, પાયા કરજો ચાર.
રાજગાદી શા હાથા કરજો, ઠાઠ પછી હું બતાવું’
લાકડાનો એક કટકો લઈને ઉંદર કહે હું આવું.

રૂઆબદાર ખુરશી લઈને લ્યો ઉંદર આવ્યો ઘેર,
‘ગોઠવ ઘરમાં એને મમ્મી અહીંયાં રૂડી પેર,
દેખ પછી તું આપણા ઘરને કેવો મહેલ બનાવું !’
લાકડાનો એક કટકો લઈને ઉંદર કહે હું આવું.

ખોદી ખોદી માટી કાઢી, નાનકડી ખુરશી ઉતારી,
એની ઉપર જઈ બેઠો એ નાની અમથી છલાંગ મારી,
‘મસ મોટો દરબાર ભરીને હુકમ હવે હું ચલાવું’
લાકડાનો એક કટકો લઈને ઉંદર કહે હું આવું.

ચૂં ચૂં ચૂં ચૂં કરતો રાચે સપનામાંહે ઉંદર.
મારા વટથી આગળ સહુએ લાગે છે છછૂંદર.
આખી દુનિયાને દેખો હું કેવી ગુલામ બનાવું.
લાકડાનો એક કટકો લઈને ઉંદર કહે હું આવું.

મોટેથી બૂમો પાડી એ કહેતો, ‘સાંભળ માડી;’
એ સૂણીને કાગડાભાઈએ દરમાં ચાંચ ઘુસાડી
ને ત્યાં દોડી આવી મમ્મી કહે, ‘તને હું બચાવું.’
લાકડાનો એક કટકો લઈને ઉંદર કહે હું આવું.

ને મરતાં મરતાં બોલી એ ‘સાંભળ બેટા મારા,
દિવસ માથે સૂરજ શોભે રાતે શોભે તારા,
ઝૂંપડું તોડી હવે કહે કે કદી ન મહેલ બનાવું.’
લાકડાનો એક કટકો લઈને ઉંદર કહે હું આવું.

Advertisements