જખમી જગત

જખમી જગત

જે લડવા માટે તત્પર છે, હવે તે વીર લાગે છે
ભરી દે જગ તિરસ્કારોથી જે તે પીર લાગે છે

દયા ને પ્રેમની વાતો ઘણા છે જગમાં કરનારા
ધરમ ભયમાં છે કહીદો તો પસંદ રુધિર લાગે છે

પડેછે ચેન ક્યાં જો હોય છે હથિયાર હાથોમાં
નથી હથિયાર જેના હાથોમાં દિલગીર લાગે છે

જમાનો આ છે આતંકવાદનો, માનવતા વિસરેલો
હરેક મતભેદનો ઉપચાર હવે શમશીર લાગે છે

બુઝાવે આગ નફરતની હવે તે જ્ઞાન ક્યાં શોધું !
જગત નષ્ટ થાય તે આદેશો જ્યાં અકસીર લાગે છે

ખબર નિત એટલી છે ઘાટકીને ક્રૂર હત્યાની
વરસતાં આંસુ આંખોથી હવે તો નીર લાગે છે

સદાચારીને શોધું ક્યાં, જ્યાં અત્યાચારી દુનિયામાં
લગાવે લાશોના અંબાર, તે શૂરવીર લાગે છે

‘સૂફી’ લંગડાઈને ચાલી રહ્યું જખમી જગત આજે
પડેલી પગમાં પણ તારા મને જંજીર લાગે છે

 

ધોરી રસ્તો

પૂજાને બંદગીની ભીડમાં ભય કેમ છે જગમાં!
જ્વલિત તણખા ઉડે છે કેમ ધર્મસ્થાનોની ઝગમગમાં!

મેં જોએલી અમીવર્ષા, મુલાયમતાને કોમળતા
તે દોલતને ગુમાવી ધર્મ ફસ્યા છે કેમ ડગમગમાં!

પ્રભુ, ધર્મોની ખેંચાખેંચથી તમને બચાવું પણ
ઉતારું શી રીતે સાંકળ પડી છે મારા બે પગમાં

ગ્રહણ લાગ્યું છે મારી પ્રાર્થનાને વ્યક્તિ ભક્તિથી
કે જ્યારે અલ્લાહ, ઇશ્વરનું સ્મરણ દોડેછે રગરગમા

જીવન પર્યંતનું બંધન મળે જો જન્મના સાથે
તો ભય કોટવાલનો કંપાવે છે મુક્તિના મારગમાં

કવિ કે ત-ત્વજ્ઞાની વાત દિલની શી રીતે કરશે!
જ્યાં સરઘસ સંસ્કૃતિનાં આવીને અથડાયાં છે જગમાં

બને હત્યાનું કારણ ધર્મ તો કમભગ્ય જગ તારું
બને છે ધોરી રસ્તો તે જવા માટે હવે સ્વર્ગમા

અક્કલ ગીરવિ પડેલી હોય તેને તું ના કંઈ કહેજે
પિપાસુ સત્યના છે પણ ‘સૂફી’, થોડા હવે જગમાં

Advertisements