હસતો રમતો ગાય કનૈયો

[1] રેલગાડી

રેલગાડી આવી જુઓ
છુક છુક કરતી,
ભાગે દોડે જલદી તોયે
સ્ટેશને આરામ કરતી.

કોઈ ચઢે ને કોઈ ઊતરે,
આવનજાવન ચાલે,
ધનિક ગરીબ સૌ સાથે બેસે,
સમાન સૌ જન લાગે.

મિલન કરાવે કોઈ સ્વજનનું,
વિરહ પણ કો’નો થાતો,
મળવું ને જુદાં પડવું એ ક્રમ
સ્ટેશન ઉપર સમજાતો.
.

[2] બા-દાદાનું હૈયું હરખાય

ભાઈ મારો નાનો મજાનો,
ઘોડિયે ઊંઘતો છાનોમાનો,
રડે ત્યારે બા હીંચોળે,
હાલા સાંભળી રહે એ છાનો.

જાગે ત્યારે મમ્મીને શોધે,
દૂધ પાય એને હોંશે,
પછી ભાઈને હું રમાડું,
બિસ્કિટ મીઠાં એને ખવાડું.

એમ ભાઈ મોટો થયો,
હસતો હસતો નિશાળે ગયો,
મમ્મી એને મૂકવા જાય,
બા-દાદાનું હૈયું હરખાય.
.
[3] સૌને પ્યારી વર્ષારાણી

વાદળ ઊંચે આકાશે દોડે,
કાળાં કોઈ ધોળાં પણ હોયે,
પવન પાંખે ઊડતાં ફરતાં,
મન થાય ત્યાં વરસી પડતાં.

હાથી જેવાં કોઈક લાગે,
ઘોડેસ્વારી કરતાં એ ભાગે,
ખેડૂતનાં એ મિત્ર માનીતાં,
વાદળ જગનાં જીવનદાતા.

ખેતરને કરતાં હરિયાળાં,
તરસી ધરાની પ્યાસ છીપવતાં
કવિ કરે કવિતા વાદળની,
સૌને પ્યારી વર્ષારાણી.

Advertisements